Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ધ્રાંગધ્રા હોસ્પિટલની બેદરકારી : મૃતદેહ દુર્ગંધ મારતા ચાર દિ'એ તંત્રને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મૂકવાનું યાદ આવ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩ : ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલનો મોટી બેદરકારી સામે આવી છે. ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ત્રણથી ચાર દિવસથી પડી રહેલ મૃતદેહમાં જીવાંત (જીવડા) પડી જતા હોસ્પિટલ તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા બીન વારસી પુરૂષનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ તંત્ર ચાર દિવસ સુધી પોસ્ટમોર્ટમ રૂમમાં પડેલ મૃતદેહને ભૂલી ગયું. હોસ્પિટલ તંત્ર કે કોઇ જવાબદાર કર્મચારીઓ આ મૃતદેહને કોલ્ડસ્ટોરેજ રૂમમાં મુકવાનુ ભૂલી ગયા. ચાર દિવસ બાદ જયારે અસહ્ય દુર્ગંધ આવતા તંત્રને મૃતદેહ યાદ આવ્યો.

તંત્ર એ બીનવારસી મૃતદેહનો અંતિમસંસ્કાર કરતા સેવાભાવીઓને બોલાવતા મૃતદેહમાં અસંખ્ય જીવાતો પડી ગયેલ અને ડેડબોડી ડીકમ્પોઝ થયેલ જોવા મળી હતી.

જોરાવરનગરમાં મકાનમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

જોરાવરનગર કોઝવે રોડ નિલકંઠ મહાદેવના મંદિરથી આગળ આવેલ સુરેશભાઈ જગદીશભાઈ બકોટીયાના બંધ મકાનમાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ-સંગ્રહ કરે છે તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો જેમાં આંઠ બેરલોમાં એક બેરલ ખાલી તથા એક અડધુ ભરેલ તેમજ બાકીમાં છ બેરલો ૨૦૦ લીટર વાળા આખા બાયોડીઝલ જેવા પ્રવાહીથી ભરેલ જોવા મળતા બાયોડીઝલ જેવા પ્રવાહીના સેમ્પલ લેવા અને જરૂરી તપાસ માટે ઘરના ફળીયામાં રાખી મેઈન દરવાજાને તાળુ મારી તેના ઉપર પી.એસ.આઈ જોરાવરનગરના હોદ્દાનુ લાખથી શીલ મારી ઘરની બહાર પોલીસનો બંદબસ્ત રાખવામાં આવેલ છે.

(11:56 am IST)