Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગાંધીધામમાં જ્વેલર્સ પેઢીમાં ચોરી કરનાર ઉત્તર ગુજરતની કુખ્યાત સિકલીગર ગેંગ

પોલીસે પગેરું દબાવી ચોરીનો માલ લેનારની કરી ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩

કચ્છના ગાંધીધામમાં ઓસ્લો સર્કલ નજીક આવેલી જ્વેલર્સ પેઢીનું શટર તોડી ચાર લાખની કિંમતના ચાંદીના વિવિધ ઘરેણાં અને ચીજવસ્તુ ચોરી કરનાર ઉત્તર ગુજરાતની સિકલીગર ગેંગ હોવાનો પર્દાફાશ થયો છે. નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં રહેલાં સીસીટીવી ફૂટેજના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિવિધ ટીમ બનાવી સંયુક્ત તપાસ હાથ ધરી હતી.

ચોરીને અંજામ આપ્યાં બાદ સિકલીગર ગેંગ પરત વડનગર ગઈ હોવાનું સ્પષ્ટ થતાં એલસીબીની એક ટૂકડી આરોપીઓને ઝડપી લેવા ત્યાં પહોંચી હતી પરંતુ એકેય આરોપી હાથ લાગ્યો નહોતો. જો કે, આરોપીઓએ ચોરીનો માલ ઊંઝાના એક જ્વેલર કમલેશ ભરતભાઈ સોનીને રવિવારે સાંજે વેચી મારીને રોકડી કરી લીધી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે કમલેશ સોનીની ધરપકડ કરી છે.

કમલેશે. ચોરીનો માલ ઓગાળીને પાટમાં ફેરવી નાખ્યો હતો. પોલીસે ૨ લાખ ૭૪ હજારની કિંમતની ૪ કિલો ૬૦૦ ગ્રામની ચાંદીની પ્લેટ કબ્જે કરી છે.

ગુનામાં સિકલીગર ગેંગના લખનસિંહ જીતસિંહ શીખ (રહે. વડગામ, બનાસકાંઠા), સતપાલસિંગ કિરપાલસિંગ સરદાર (રહે. વડનગર, મહેસાણા), ભગતસિંહ જીતસિંહ શીખ (રહે. ખેરાલુ, મહેસાણા) અને લખનસિંગ કિરપાલસિંગ સરદાર (વડનગર) એ ચાર આરોપીઓ સામેલ હોવાનું સ્પષ્ટ થયું છે. તમામ આરોપી વિરુધ્ધ ગાંધીનગર, હિંમતનગર, વડોદરા, પાટણ અને અમદાવાદમાં ચોરી અને લૂંટના સંખ્યાબંધ ગુના દાખલ થયેલાં છે.

(9:58 am IST)