Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ચોટીલા પાસે ટ્રકની કમાન તૂટતા ૫ કલાક ટ્રાફિક જામ

રાત્રીનાં ૧૧ વાગ્‍યાથી રોડ વચ્‍ચે જ ટ્રક ખોટકાઇ જતા ચોટીલા-મોલડી પોલીસના ૧પ કર્મચારીઓએ મહામહેનતે વાહન વ્‍યવહાર સવારે પ વાગ્‍યે પુર્વવતઃ કરાવ્‍યો

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૩ :.. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપરના યાત્રાધામ ચોટીલાના પૂ. જલારામબાપા  મંદિર પાસેથી રાજકોટ તરફના હાઇવે ઉપર બન્ને તરફ પ કલાક સુધી ટ્રાફીકજામ થઇ જતા વાહન વ્‍યવહારને ભારે અસર પડી હતી.
પ્રાપ્ત  માહિતી મુજબ કાલે મંગળવારે રાત્રીના ૧૧વાગ્‍યા આસપાસ ચોટીલાના પાદરમાં આવેલા પૂ. જલારામ મંદિરથી શરૂ કરીને રાજકોટ તરફના રસ્‍તા ઉપર ભારે ટ્રાફીક જામ થઇ જતા અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ તથા તે વિસ્‍તારના વાહન ચાલકોને ભારે મુશ્‍કેલી પડી હતી. અને  પાંચેક કલાક સુધી વાહનોના થપ્‍પા લાગી ગયા હતાં.
આ ટ્રાફિક જામ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીક આવેલ દેવાંગી હોટલ પાસે એક ટ્રકની કમાન તૂટી જવાના કારણે સર્જાયો હતો.
રોડની વચ્‍ચોવચ્‍ચ ટ્રક ખોટકાઇ જતા વાહન વ્‍યવહારને ભારે અસર પડી હતી. અને આવન-જાવન બન્ને તરફ વાહનોની લાઇનો લાગી ગઇ હતી.
ટ્રકની કમાન તૂટી જતા વાહન વ્‍યવહારને પૂર્વવતઃ કરવા માટે ચોટીલા અને મોલડીના ૧પ કર્મચારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતાં.
અને ભારે ટ્રાફિક જામ હોવાથી આજે વહેલી સવારે પ વાગ્‍યે ટ્રકને રોડ ઉપરથી સાઇડમાં લેવામાં આવતા અને રીપેરીંગ કામ થઇ જતા વાહન વ્‍યવહાર પુર્વવતઃ થઇ ગયો હતો.
સતત પાંચ કલાક સુધી વાહન વ્‍યવહારને ભારે અસર થતા સમયસર પહોંચવા માંગતા લોકોને જે તે સ્‍થળે પહોંચવામાં ખૂબ જ મોડુ થયુ હતું.

 

(11:37 am IST)