Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ત્‍યક્‍તાને પડખામાં દુઃખાવો થયો, નિદાન થતાં સગર્ભા હોવાનું ખુલ્‍યું

અઢી મહિના પહેલા જ છૂટાછેડા લેનારી યુવતિ સારવાર હેઠળ : ગોંડલ પંથકમાં પરિવાર સાથે રહેતી યુવતિ રાજકોટ સારવાર હેઠળઃ પૂર્વ પતિ થકી ગર્ભ રહ્યાની શક્‍યતાઃ ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩: ગોંડલ પંથકના એક ગામમાં પરિવાર સાથે રહેતી વીસ વર્ષની ત્‍યક્‍તા યુવતિને પડખામાં દુઃખાવો ઉપડતાં  સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં નિદાન થતાં તેણીના પેટમાં દોઢ માસનો ગર્ભ હોવાનું જણાતાં તેણીને ઝનાના વિભાગમાં દાખલ કરી તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો.

યુવતિએ પોલીસ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં બે અજાણ્‍યા શખ્‍સોએ બળજબરી કરતાં ગર્ભ રહી ગયાનું રટણ કરતાં તે મુજબની નોંધ ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસ તપાસ માટે પહોંચી હતી. અહિ પુછતાછ થતાં એવી વિગતો ખુલી હતી કે યુવતિના બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં અને તેની નણંદ સાથે તેણીના ભાઇના લગ્ન થયા હતાં. ભાઇ-બહેનના સામસામા લગ્ન હતાં. પરંતુ બે અઢી માસ પહેલા આ યુવતિએ છુટાછેડા લીધા હતાં અને આ કારણે તેના ભાઇના પણ છુટાછેડા થઇ ગયા હતાં.

આ દરમિયાન પરિવાર ગોંડલ તાબેના ગામમાં રહી ખેત મજૂરી કરતો હોઇ ગઇકાલે ત્‍યકતા યુવતિએ પોતાને પડખામાં દુઃખાવો થાય છે તેમ કહેતાં તેણીને રાજકોટ ખસેડાઇ હતી અને તબિબી તપાસમાં પેટમાં ગર્ભ હોવાનું ખુલ્‍યું હતું. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે કે પૂર્વ પતિ થકી આ ગર્ભ રહ્યાની શક્‍યતા છે. કોઇ અજાણ્‍યાએ બળજબરી કરી હોવાની વિગતો બહાર આવી નથી. યુવતિ સારવાર હેઠળ હોઇ વિસ્‍તૃત નિવેદન, પુછતાછ બાકી રખાયા છે.

(1:10 pm IST)