Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પોરબંદરમાં ઉપરાષ્‍ટ્રપતિના આગમન સમયે કીર્તિમંદિર વિસ્‍તારમાં દુકાનો બંધ નહીં કરાવવા માણેક ચોક ઓટલા સમિતિની માંગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩ :  શનિવારે તા. ૬ ના રોજ કીર્તિ મંદિરે પૂ. ગાંધીજીને પૂષ્‍પાંજલી અર્પણ કરવા આવી રહેલ દેશના ઉપરાષ્‍ટ્રપતિ વેંકયાનાયડુના આગમન સમયે કીર્તિમંદિર પાસે બજાર વિસ્‍તારમાં ઉપરાષ્‍ટ્રપતિના રૂટ ઉપરની દુકાનો બંધ નહીં કરાવવા માણેક ચોક ઓટલા સમિતિએ માંગણી ઉઠાવીને કલેકટરને અનુરોધ કર્યો છે.

રાષ્‍ટ્રપતિ વેંકયાનાયડું શનિવારે પોરબંદર આવશે તે મધ્‍યાહન સમયે કીર્તિમંદિરની વિસ્‍તારમાં બજારો ધમધમતી હોય છે. ત્‍યારે ઉપરાષ્‍ટ્રપતિ વેંકયાનાયડુના રૂટ ઉપર વેપારીઓના ધંધાઓને અસર ન થાય તેમજ કીર્તિમંદિર પાસે આવેલી શ્રીનાથજી હવેલીમાં આવતા વૈષ્‍ણવોનો રોજીંદો દર્શન ક્રમ તૂટે નહી તે જોવા માણેક ચોક ઓટલા સમિતિએ જિલ્લા કલેકટરને અનુરોધ કર્યો છે.

અગાઉ દેશના પ્રથમ મહિલા રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટીલ કીર્તિમંદિરે ગાંધીવંદના કરવા આવેલ ત્‍યારે તે સમયે કીર્તિમંદિર વિસ્‍તારમાં વેપારીઓને દુકાનો બંધ કરવા  ફરજ પાડવામાં આવી હતી તેમજ કીર્તિમંદિરની નજીક શ્રીનાથજી હવેલીએ દર્શને આવતા કેટલાંક વૈષ્‍ણવજનોને અટકાવી દેવામાં આવ્‍યા હતા અને તે સામે ઉહાપો થયો હતો તે સમયે રાજયના ગૃહવિભાગ સુધી રજુઆતો કરવામાં આવતા ગૃહ વિભાગ દ્વારા સ્‍થાનિક કક્ષાએ કોઇ વી.વી.આઇ.પી. કીર્તિ મંદિરે આવે ત્‍યારે નજીકમાં વેપારીના ધંધાઓને અસર ન થાય તેમજ બજારમાં ખરીદી કરવા જતા લોકોને તેમજ હવેલીએ દર્શન માટે જતા ભાવિકોને અડચણ આવે નહીં તે જોવા માર્ગદર્શન અપાયું હતું.

શનિવારે ઉપરાષ્‍ટ્રપતિ વેંકયાનાયડુ કીર્તિમંદિરે આવી રહ્યા છે. જેની સુરક્ષા સહિત તૈયારી ચાલી રહી છે અને કીર્તિ મંદિર પાસે વેપારીઓને સૂચના અપાઇ છે કે અમે કહીએ ત્‍યારે દુકાનો બંધ રાખવી. આવી  સુચનાથી વેપારીઓ સહિત લોકોમાં કચવાટ થઇ રહેલ છે.

(1:12 pm IST)