Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોરબી પડતર પ્રશ્‍નો મુદ્દે તલાટી મંત્રીઓ હડતાળ પર

મોરબી : રાજ્‍યના તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી પડતર માગણીઓને લઇને   રાજ્‍યવ્‍યાપી હડતાળ પાડવાનું રણશિંગું ફૂંકાયું છે ત્‍યારે આ હડતાળમાં મોરબી જિલ્લાના તલાટીઓ પણ જોડાયા છે. જ્‍યાં હાલ આ હડતાળમાં તેમને મોરબી જિલ્લા VEC મંડળનું પણ સમર્થન મળ્‍યું છે. આ અંગે  મોરબી જિલ્લા VEC મંડળના પ્રમુખ બિપિનભાઈ ઘોડાસરાએ સમર્થન આપતો પત્ર લખી  મોરબી જિલ્લાના તલાટીઓને ટેકો પૂરો પાડયો હતો. રાજ્‍યમાં હાલ અંદાજ દસ હજારથી પણ વધુ તલાટીઓ કાર્યરત છે. છેલ્લા ઘણા વર્ષોથી તાલટીઓની વિવિધ માગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ હકારાત્‍મક અભિગમ દાખવવામાં આવી રહી નથી. ૨૦૧૮માં જ્‍યારે તલાટીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી ત્‍યારે પ્રશ્‍નો ઉકેલાઇ જશે તેવી ખાતરી મળતા હડતાળ સમેટી લેવાઇ હતી, ત્‍યાર બાદ ૨૦૨૧માં હડતાળ પાડી ત્‍યારે નવા મુખ્‍યમંત્રી તરીકે ભૂપેન્‍દ્રભાઇ પટેલની નિમણૂક થઇ હતી, ત્‍યારે તે વખતે પણ સરકારે પ્રશ્‍નો ઉકેલાઇ જશે તેવું કહેતા હડતાળ સમેટી લેવામાં આવી હતી, દરમિયાન હજુ પણ વણઉકેલ્‍યા પ્રશ્‍નો ઉકેલાયા ન હોઇ, જેથી આજથી દસ હજારથી વધુ તલાટીઓ દ્વારા રાજ્‍યવ્‍યાપી અચોક્કસ મુદતની હડતાળમાં ઉતર્યા છે.

(1:17 pm IST)