Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કચ્છના અબડાસા પેટા ચુંટણીમાં માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત ૫ સખી મતદાન મથકો : પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ આરોગ્ય અને પોલીસના વિભાગોની મહિલાઓએ મહિલા સશકિતકરણને સાર્થક કર્યું

(ભુજ) અબડાસા મતવિસ્તારમાં આજે ચાલી રહેલા મતદાનમાં નખત્રાણા ખાતે કુલ પાંચ સખી મતદાન મથકો માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત કરાયા છે. પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ આરોગ્ય અને પોલીસના વિભાગોની મહિલાઓએ મહિલા સશકિતકરણને સાર્થક કરતા જોવા મળી રહયા છે.

આદર્શ મતદાન મથક નખત્રાણા ખાતે શિક્ષણ અને આંગણવાડીની મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ કામગીરી કરી રહયા હતા. ૩૧૭ નખત્રાણા બુથના પ્રિસાઈડીંગ ઓફીસર મુમતાઝબેન ખોજા આ કામગીરીને વધાવે છે. ત્યાં કામ કરનારી મહિલાઓ આ કામગીરીથી ઉત્સાહિત છે અને ચુંટણી કામગીરીનો આનંદ વ્યકત કરે છે.

નવાવાસ વિસ્તાર માટે સખી મતદાનમથક ૩૧૭માં આઇસીડીએસ, શિક્ષણ, મીડ-ડે મીલ આરોગ્ય અને પોલીસ વિભાગની મહિલાઓ દ્વારા સંચાલિત સખી બુથમાં પણ ઉત્સાહપૂર્વક ચુંટણી કામગીરી જોવા મળી છે. નખત્રાણામાં ૩૧૧, ૩૧૮ બુથ સરકારી કોલોની ખાતે પણ સખી મતદાન મથક મહિલાઓ સંચાલિત કરી રહી છે.

એક સખી મતદાન મથક પૈકી પાંચ મહિલા તેમજ કોવીડ-૧૯ની ચકાસણી અને સુરક્ષા કર્મી તરીકે મહિલાઓ પણ સક્રિય છે એમ ચુંટણી રૂટ નં.૩૭ના ઝોનલ ઓફિસરશ્રી વી.એમ.ચૌધરી જણાવે છે. આવનારા પુરૂષ મતદાતાઓ પણ ચુંટણી પંચના આ સ્તુત્ય પગલાને હર્ષભેર આવકારી રહયા છે એમ પ્રિસાઈડીંગ ઓફિસર દિપ્તીબેન અગ્રાવત જણાવે છે.

૬૦ વર્ષિય આદમભાઇ કુંભાર જણાવે છે કે, મહિલાઓ દ્વારા સંચાલિત આ સખી મતદાન મથકો આવકારદાયક અને વખાણવાલાયક પગલું છે. મહિલાઓ પણ સરસ રીતે સમજાવટથી વોટીંગ કામ કરાવી રહી છે.

(4:08 pm IST)