Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વીરપર ગામે ગંદકીના ગંજ, કચરાની સમસ્યા

ટંકારા,તા.૩ :  તાલુકાના વિરપર ગામે જાહેરમાં કચરો ફેકતા હોવાની સ્થાનિક વ્યકિતએ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરી છે.

જોકે, એક બાજુ કોરોના મહામારીએ માંડ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ મેલેરિયા, ડેન્ગ્યુના કેસોમાં પણ હાલમાં જ વધારો જોવા મળી રહ્યો છે.. જે બાબતે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજાએ રજુઆત કરી આરોગ્યલક્ષી પગલા ભરવા માંગ કરી હતી.

ટંકારાના વિરપર ગામે જાહેરમાં કચરો નખાતા હોવાથી સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયત ગ્રામજનો માટે સ્વાસ્થ્યલક્ષી પગલા ભરી ગામની સ્વચ્છતાને જાળવી રાખવી જોઈએ.

વિરપર ગામના મુંદડિયા સાવન નરેન્દ્રભાઈએ કલેકટર અને મામલતદારને આ બાબતે રજુઆત કરી તાત્કાલિક કચરાના ઢગલા દુર કરવા માંગ કરી છે.

તેમણે રજુઆતમાં જણાવ્યું હતું કે, વિરપર ગામે રહેણાંક વિસ્તારમાં ઘરની સામે કચરાના ઢગલા પડયા હોય જે કચરો પવન મારફતે દરોજ ઘરમાં તથા શેરીમાં આવતો હોય, સરપંચને છેલ્લા ૧૦ દિવસમાં ફોન દ્વારા તથા રૂબરૂ બેથી ત્રણ વાર કહેવામાં આવેલ હોય પણ સરપંચ દ્વારા કહેવામાં આવેલ કે, જેસીબી મશીન મળે એટલે ઉઠાવી લવ એવા જવાબ આપવા મા આવે છે. અને કોઈ પ્રકાર ની એ બાબતે કામગીરી કરવા મા આવતી નથી.

વિરપરના રહીશો એ નક્કી કરેલ છે કે જો આ કચરો તાત્કાલિક ઉઠાવવામાં ન આવે તો, આ કચરાનો ઢગલો ત્યાના રહીશો દ્વારા ઉઠાવીને સરપંચના ઘરની સામે ઠલાવામાં આવશે. આ જગ્યાએ કચરો નાખવામા ન આવે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને આ સમસ્યાથી આજુબાજુમાં રહેતા રહીશો ને છુટકારો મળે તેવી રજુઆત કરી છે.

(12:44 pm IST)