Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

વેળાવદરમાં ભંડેરી પરિવાર આયોજિત સમુહલગ્નની તડામાર તૈયારીઓ

વેળાવદર,તા.૩ : ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામમાં ભંડેરી પરિવારના મુખ્‍ય યજમાનો મગનભાઈ ભંડેરી તથા અશોકભાઈ ભંડેરી દ્વારા આયોજન થયેલ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ વેળાવદર ખાતે થઈ રહી છે.

ઘનશ્‍યામભાઈ ભંડેરી તથા  અશોકભાઈ ભંડેરીએ જણાવ્‍યું કે વેળાવદર અમારું પૈત્રિક વતન છે અને ગામની દીકરીઓ અને આસપાસની દીકરીઓને પણ કન્‍યાદાન કરીને વળાવવાનો રૂડો અવસર વેળાવદર ગામજનો તથા આસપાસના લોકોનાં સહયોગથી ૬ નવેમ્‍બરના રોજ સાંજના ૪-૩૦ કલાકે લગ્નગીતોથી આરંભ થશે.બંને સુરતસ્‍થિત  ઉદ્યોગપતિઓએ પોતાના જ આર્થિક સહયોગથી આ સમગ્ર આયોજન કર્યું છે.

આ સમુહલગ્ન સર્વ જ્ઞાતિની દિકરીઓનો સમાવેશ કરેલ છે.કુલ ૩૨ સમુહલગ્નની જાન તા ૬ના રોજ સાંજે ૪  કલાકે આવશે.તમામ દિકરીઓને લગ્નનો કરીયાવર બધો ઉતમ અને ગુણવત્તાયુક્‍ત આપવામાં આવ્‍યો છે. ૫ એકર વિસ્‍તારમાં લગ્નનગર ઉભું કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે   ડો.મનસુખભાઈ માંડવિયા કેન્‍દ્રીય મંત્રી તથા દિલીપભાઈ સંઘાણી ઇફકો ચેરમેન અને ધારાસભ્‍ય  કેશુભાઇ નાકરાણી, પ્રતાપભાઈ દુધાત વગેરે સહિત અનેક મહાનુભાવો વિશેષ હાજર રહેશે.આ લગ્ન સમારોહને સરધાર સ્‍વામિનારાયણ મંદિરના મુખ્‍ય પ્રયોજક પુ. નિત્‍યસ્‍વરૂપ સ્‍વામીના આશિર્વાદ પ્રાપ્ત થયાં છે.

(11:21 am IST)