Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ક્યા રાજ હે જીસકો છુપા રહે હો, મોરબીની સિવિલ હોસ્પિટલમાં મીડિયાને નો એન્ટ્રી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : ભારત દેશની કહેવાતી લોકશાહીમાં અનેક વખત લોકશાહીનું ચીરહરણ થતું હોવાના બનાવો બનતા રહે છે ત્યારે મોરબીમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ છે જેનું રવિવારે સાંજથી મોરબી સ્થાનિક ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પત્રકારો કવરેજ કરી રહ્યા છે જોકે પત્રકારોનું કવરેજ તંત્રને ગમતું ના હોય તેમ સિવિલ હોસ્પિટલમાં મીડિયાની એન્ટ્રી જ બેન કરી દેવામાં આવી છે.

મોરબીની સરકારી હોસ્પિટલ તેની સુવિધાઓ માટે નહિ પરંતુ અગવડો માટે જાણીતી છે અનેક વખત અસુવિધાઓના સમાચારો પત્રકારો પ્રસિદ્ધ કરતા રહે છે અને જવાબદાર તંત્ર પાસે જવાબ માંગતા હોય છે જોકે સત્તાના નશામાં ચુર તંત્ર ક્યારેય જવાબ આપવાની તસ્દી લેતું નથી તો મોરબીની દુર્ઘટના બાદ પત્રકારોએ સિવિલ હોસ્પિટલમાં પણ રીપોર્ટીંગ કર્યું હતું જેમાં પીએમ મોદીની મુલાકાત બાદ હોસ્પિટલના કેમેરા પર પટ્ટીઓ લગાવી દીધાનું ખુલ્યું હતું.

ત્યારે સિવિલ તંત્ર શું છુપાવવા પ્રયાસ કરી રહ્યું છે તેવા સવાલો પૂછવામાં આવ્યા હતા અને આ ભારત દેશ નહિ પરંતુ હિટલરનું જર્મની હોય જ્યાં સવાલો પૂછવાની મનાઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો અને સિવિલ હોસ્પિટલમાં પત્રકારોને એન્ટ્રી પર બેન મૂકી દેવામાં આવ્યો છે ત્યારે લોકશાહીની દુહાઈ દેતા ભાજપ નેતાઓ આ મામલે કાઈ બોલશે કે પછી સબ ચલતા હે નીતિ અપનાવશે તે જોવું રહ્યું.

(1:33 pm IST)