Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કમરકોટડા રાહ ચિંધે છે : ગામને સમરસ કરવા આંતરીક ચુંટણી દ્વારા સરપંચ નકકી કરાયા

ઇન્દુબેન ગોસાઇ સરપંચ પદે ફાઇનલ : ત્રણ નિવૃત શિક્ષકોએ ચુંટણી અધિકારીની ભૂમિકા નિભાવી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩: ગામડાની ચુંટણીઓ કયારેક ડખ્ખાનું ઘર બનતી હોય છે.પરંતુ કમરકોટડા ગામે સરપંચની ચુંટણી પુર્વે કોઠાસૂઝ દાખવી આંતરીક ચુંટણી દ્વારા સરપંચ નક્કી કરી લોકશાહીને ખરા અર્થમાં સાર્થક કરી સમરસતા દાખવી છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજાઇ રહી છે.હાલ ઉમેદવારી ફોર્મ ભરાઇ રહ્યા છે.ત્યારે ગોંડલ તાલુકાનાં સાડાબારસોની વસ્તી ધરાવતાં કમરકોટડા ગામે રાહ ચિંધતુ કદમ માંડયુ છે.

કમરકોટડામાં સરપંચ પદની આગામી ટર્મ બક્ષીપંચ મહીલા અનામત છે.ચુંટણી જાહેર થતાં પાંચ મહીલાઓ મેદાનમા આવ્યા,જે પૈકી બે મહીલાઓએ ચુંટણી લડવાનુ માંડી વાળતા ત્રણ મહીલાઓ ચુંટણી લડવા મેદાનમાં રહી.

બીજી બાજુ ગામ નાં વડીલોએ ગામ સમરસ બને તેવાં પ્રયત્ન હાથ ધર્યા હતા. ત્રણેય મહીલા ઉમેદવારો સોનલબેન સાકરીયા,દેવુબેન બાંભવા અને ઇન્દુબેન ગોસાઇનાં નામનુ બેલેટ પેપર તૈયાર કરાયું,ગ્રામ પંચાયતના મકાનમાં ચુંટણી યોજાઇ જેમા ગામના ત્રણ નિવૃત્ત્। શિક્ષકોએ ચુંટણી અધિકારીની ભુમિકા નિભાવી.૯૭૯ મતદારો પૈકી ૫૧૦ મતદારોએ મતદાન કર્યુ.સાંજે મતગણતરી થઈ અને સૌથી વધું ૨૮૫ મત મેળવનારાં ગોસાઇ ઇન્દુબેન સુખદેવગીરી સમસ્ત ગામ વતી સરપંચ માટે નક્કી થયા,હવે આવતીકાલે ઇન્દુબેન સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે.અલબત્ત્। આ ફોર્માલીટી બાદ બિનહરીફ સરપંચ બનશે.

કમરકોટડા યોજાયેલ કોઠાસૂઝ ભરી આંતરીક ચુંટણીમાં સમસ્ત ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.આમ ચુંટણી પુર્વે જ સમરસ બની સરપંચ પસંદ કરાયા હતા.

(11:38 am IST)