Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કચ્છમાં વધુ એક ઓમીક્રોન કેસ : ભાવનગર- ૧૮, મોરબી-૧૨, ગોંડલમાં ૬ કોરોના કેસ

મહામારીનાં કેસ વધતા લોકોમાં ભારે ચિંતાઃ કોરોના ગાઇડલાઇનનું પાલન ન થાય તો કેસ વધવાની શકયતા

પ્રથમ તસ્વીરમાં કચ્છમાં રસીકરણ સ્થળે સેલ્ફી પોઇન્ટ તથા બીજી તસ્વીરમાં કોરોના રસીકરણ કામગીરી નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા-ભુજ)

રાજકોટ,તા. ૪ : કોરોના મહામારીના કેસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત વધારો થઇ રહ્યો છે. કચ્છમાં વધુ એક ઓમીક્રોન કેસ નોંધાયો છે.

જ્યારે ભાવનગરમાં ૧૮, મોરબીમાં ૧૨, ગોંડલમાં ૬ કોરોના કેસ નોંધાયા છે. મહામારીના કેસ વધતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે. કોરોના ગાઇડલાઇનનું પાલન ન થાય તો કેસ વધવાની શકયતા છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છમાં કોરોનાના કેસની સાથે હવે ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. આફ્રિકાથી ભુજના માધાપર ગામે આવેલ વધુ એક એનઆરઆઈને ઓમીક્રોન નીકળતાં તેના કુલ ૩ કેસ થયા છે. જયારે કોરોનાના નવા ૧૧ દર્દીઓ સાથે સારવાર લઈ રહેલા એકિટવ દર્દીઓની સંખ્યા વધીને ૬૩ થઈ છે. આફ્રિકન દેશમાંથી આવેલ ત્રીજા એનઆરઆઈ ઓમીક્રોન ડિટેકટ થયો છે. આથી અગાઉના બે દર્દીઓ પણ ભુજ તા.ના બળદિયા અને કોડકી ગામના છે.

દરમ્યાન ૧૫ થી ૧૮ વર્ષના છાત્રોનું શાળામાં રસીકરણ કરવાનું શરૂ કરાયાના પ્રથમ દિવસે કચ્છ જિલ્લામાં ૫૧,૩૨૭ છાત્રોનું રસીકરણ થયું હતું. રસીકરણ દરમ્યાન તરુણ વયના છાત્રોમાં કયાંક ચિંતા, કયાંક ગભરાટ તો કયાંક ઉત્સાહ અનુભવાયો હતો. દરમ્યાન સહપાઠી છાત્રો અને મિત્રોને રસીકરણ માટે પ્રેરિત કરવા માટે અનેક શાળાઓએ સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કર્યા છે. જેમાં વેકિસન લીધા બાદ વિદ્યાર્થી પોતાની સેલ્ફી લઇ ગ્રુપમાં શેર કરી અન્યને પ્રેરિત કરી શકે છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગરમાંશહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. શહેરમાં ૧૭ અને ગ્રામ્યમાં એક મળી આજે ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૧૭ અને ગ્રામ્ય માં ૧ કેસ મળી કુલ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૫ પુરુષ અને ૧૨ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જયારે ભાવનગરગ્રામ્ય માં એક મહિલાનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. જયારે ભાવનગરમાંથી આઠ દર્દીઓ કોરોના મુકત થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા ૧૮ કેસ મળી ભાવનગરમાં કોરોનાના એકિટવ દર્દીઓની સંખ્યા વધી ૫૩ થવા પામી છે. કોરોના ના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો, સ્કૂલની વિદ્યાર્થિની સહિત મોરબી જીલ્લામાં કોરોનાના પ્રતિદિન નવા કેસો નોંધાઈ રહ્યા હોય જેમાં આજે જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય અને મોરબી તેમજ માળિયા તાલુકામાં એક સાથે ૧૨ કેસો નોંધાયા છે

મોરબી જીલ્લામાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો અને જીલ્લામાં નવા ૧૨ કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને શહેરી વિસ્તારમાં ૧૦ નવા કેસ નોંધાયા છે તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં નવો એક કેસ નોંધાયો છે નવા ૧૨ કેસો સાથે મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ૩૯ થયો છેનવા ૧૨ કેસો નોંધાયા.

જાહેર કરેલ૨૧૨ કેસ પૈકી ૧ કેસ મોરબી શહેરની જ્ઞાન વિહાર શાળા માં ધોરણ – ૬ માં અભ્યાસ કરતી બાળકીનો છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલમા કોરોના પોઝીટીવ દિનપ્રતિદિન વધી રહ્યા છે.શહેરની બે સ્કુલોમા વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત બન્યા બાદ આજે સેન્ટમેરી સ્કુલમા ધોરણ ૧૨નો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ થતા સેન્ટમેરી સ્કુલમા પાંચ દિવસની રજા જાહેર કરાઇ છે.ગોંડલમાં વધુ પાંચ વ્યકિતઓ કોરોના પોઝીટીવ થતા શહેરમા કોરોનાના કેસ વધી રહ્યા છે.

(10:30 am IST)