Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગોંડલ પંથકની ૧૬ વર્ષની સગીરા ઉપરની દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપી જાફર સમાને ૧૦ વર્ષની સજા

રાજકોટ તા. ૪ : ગોંડલ તાલુકાનાં એક ગામમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી જઇ, ભોગ બનનાર સગીરા ઉપર અવાર નવાર બળાત્કાર ગુજારનાર આરોપી જાફર જુસબ સમાને ૧૦ વર્ષની સખત કેદની સજા સેસશન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટુંકી હકીકત એવી છેકે રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ગામમાં રહેતી ભોગ બનનાર સગીરા ગઇ તા.ર૦/૮/૧૮ ના રોજ પોતાના ઘરે એકલી હતી અને ભોગ બનનારનો ભાઇ તેની ચાની હોટલે ગયેલ અને આ કામના ફરીયાદી તેના પતી સાથે દવાખાનાના કામ સબબ શ્રીનાથગઢ મુકામેથી રાજકોટ ગયેલ હતા જે તકનો ગેરલાભ ઉઠાવી સજા પામનાર આરોપી જાફર જુસબ સમા ભોગબનનારને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ અને આ કામના મુળ ફરીયાદી જેઓ ભોગ બનનારના માતુશ્રી હોય તેઓ ઘરે પરત આવતા તેઓને સમગ્ર ઘટનાક્રમની જાણ થયેલ અને ત્યારબાદ તેઓએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી જાફર જુસબ સામે ફરીયાદ નોંધાવેલ અને પોલીસે આ ગુન્હાના આરોપી જાફર જુસબ સમા સામે ભારતીય દંડ સહીતની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪ અને ૬ મુજબનો ગુન્હો દાખલ કરેલ.

સદર ગંભીર બનાવ બાદ આશરે ૧૮ મહીના પછી પોલીસ આરોપી જાફર જુસબ સમાની અટકાયત કરી આ ગુન્હાનો કામે ધરપકડ કરેલ હતી.

ત્યારબાદ આ કામના આરોપી સામે સદર ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ ૭ સાહેદો તપાસવામાં આવેલ અને નામદાર પોકસો અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની જુબાની ફરીયાદી તથા ડોકટરની જુબાની તેમજ તપાસ કરનાર પી.એસ.આઇ. એમ. એન. રાણાની જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખી અનેસરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયની દલીલો તેમજ સદર ગુન્હાહીત કૃત્ય આચરનાર આરોપી જાફર જુસબ સમાએ ભોગ બનનાર બાળકીને દોઢ વર્ષ સુધી ગોંધી રાખી અલગ અલગ જગ્યાએ લઇ જઇ એક થી વધુ વખત બળજબરી પૂર્વક તેણી સાથે સંભોગ કરેલ તે બાબતને તથા સજા પામનાર આરોપી જાફર જુસબ સમાના ગુન્હાહીત માનસને  નામદાર અદાલત સમક્ષ સાપેક્ષ સ્વરૂપમાં રજુ કરવામાં સરકારી વકીલ ડોબરીયા સફળ નીવડેલ.

ઉપરોકત હકીકતોને પોકસો અદાલતે લક્ષમાં રાખી આરોપી જાફર જુસબ સમાને ભારતીય દંડ સહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪ અને ૬ મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી પોકસો જજ શ્રી વી.કે. પાઠકશ્રીએ ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલા હતા.

(12:53 pm IST)