Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

લીંબડી બેઠકમાં ૫૮.૦૬ ટકા મતદાન : દોઢ લાખ મતદારોએ મત આપ્યા

'હું પણ લોકશાહી દેશનો નાગરિક -મતદાન મારી નૈતિક ફરજ' ગણીને મતાધિકારનો ઉપયોગ કર્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૪: કોવીડ - ૧૯ ની મહામારીના સમયમાં યોજાયેલી લીંબડી વિધાનસભા પેટાચૂંટણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે. રાજેશ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભરત જોષી અને લીંબડી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી એચ. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ કર્મીઓએ કોરોનાનું સંક્રમણ ફેલાય નહી અને મતદારો નિર્ભય બની મતદાન કરી શકે તે માટેની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના ચૂસ્તપણે પાલનની સાથે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં હાથ ધરી હતી. જેના પરિણામે મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં સહભાગી બની મતદાન કર્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાાની ૬૧ - લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું છે. આજે યોજાયેલા આ મતદાનમાં લીંબડી મતદાર વિભાગના ૧,૪૩,૪૫૦ પુરૂષ અને ૧,૨૮,૧૮૮ સ્ત્રી મતદારો અને ૪ ત્રીજી જાતિના મતદારો મળી કુલ ૨,૭૧,૬૪૨ મતદારો પૈકી ૮૮,૯૧૯ પુરૂષ અને ૬૮,૭૮૭ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૫૭,૭૦૬ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં લીંબડી મતદાર વિભાગમાં ૫૮.૦૬ ટકા મતદાન નોંધાયું હતુ.

કોરોનાની મહામારીના સમયમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકાના ચૂસ્ત અમલ સાથે લીંબડી મતદાર વિભાગમાં સવારના ૭-૦૦ કલાકથી કુલ ૪૨૦ મતદાન મથકો ઉપર શરૂ થયેલ મતદાન સાંજના ૬ કલાકે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતુ. મતદાન મથકો ઉપર મતદારોએ સોશીયલ ડીસ્ટન્સ સાથે ઉત્સાહપૂર્વક તેમના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેના પરિણામે આ મતદાર વિભાગમાં કુલ ૫૮.૦૬ ટકા મતદાન થતાં ૧૪ ઉમેદવારોનું ભાવિ વિજાણું મતદાન યંત્ર (ઈ.વી.એમ.) માં સીલ થયું હતુ.

(11:15 am IST)