Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સૌરાષ્ટ્ર મહિલા ટીમના કોચ જુનાગઢની દિકરી નંદીતા અઢીયાની ટ્રેઇલબ્લેઝર્સની ટીમની કોચ તરીકે પસંદગી

આજથી શારજાહમાં શરૂ થનારી જિયો વિમેન્સ ટી ર૦ ટુર્નામેન્ટમાં સ્મૃતિ મંધના સહિત ખેલાડીઓને આપશે કોચિંગઃ એસસીએ દ્વારા પાઠવ્યા અભિનંદનઃ નંદીતાના પિતા રમેશભાઇ શેઠએ આપેલી વિગતો

(વિનુ જોશી) જુનાગઢ તા.૪ : આજથી યુએઇના શારજાહમાં શરૂ થઇ રહેલી જિયો વિમેન્સ ટી -ર૦ ચેલેન્જ ટ્રોફીમાં ભાગ લેનાર ટ્રેઇલ બ્લેઝર્સ ટીમના કોચ તરીકે સૌરાષ્ટ્ર મહિલા ટીમના કોચ અને જુનાગઢ જૈન સમાજનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ શેઠની દિકરી નંદીતા અઢીયાની પસંદગી કરવામાં આવી છે.

ત્યારે જુનાગઢની આ દિકરીએ જૈન સમાજ અને જુનાગઢનું ગૌરવ વધારેલ છે. આ સફળતા મેળવવા બદલ નંદિતાના પિતા રમેશભાઇ શેઠએ જણાવ્યું હતું કે આ ટીમની આગેવાની ભારતીય મહિલા ટીમના ખેલાડી સ્મૃતિ મંધા સંભાળવાના હોવાથી સ્મૃતિ સહિતના ખેલાડીઓ નંદિતા અઢિયા કોચિંગ આપશે. નંદિતા અઢિયાની કોચ તરીકે પસંદગી થતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીઅશેન દ્વારા પણ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વધુ વિગતો આપતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે આજથી શરૂથનારી ટી-ર૦ ચેલેન્જ ટ્રોફિ થકી ભારતીય મહિલા ક્રિકેટને ચાવીરૂપ પ્રોત્સાહન મળશે. અત્યારના દિવસોમાં ટી-ર૦ ક્રિકેટ અત્યંત લોકપ્રિય બની ગયુ હોય બરાબર તેવા સમયે જ બીસીસીઆઇ દ્વારા મહિલા ખેલાડીઓ માટે પણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા ખેલાડીઓમાં એક નવું જ જોમ ઉમેરાશે. દરમિયાન સૌરાષ્ટ્ર મહિલા ટીમને હેડ કોચ અને ટીમ વતી નોંધપાત્ર પ્રદર્શન કરનાર નંદીતા અઢિયા ટ્રેઇલ બ્લેઝર્સ જેવી દિગ્ગજ ખેલાડીઓથી ભરપુર ટીમના કોચ તરીકે પસંદગી થતા  જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે.

આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી ટુર્નામેન્ટનો પ્રારંભ થનાર છે. જેમાં પ્રથમ મુકાબલા સુપર નોવાઝ અને વેલોસિટી વચ્ચે રમાશે અને તા.પ નવેમ્બર બપોરે ૩.૩૦ કલાકે વેલોસીટી અને ટ્રેઇઝ બ્લેઝર્સ વચ્ચે ૭ નવે સાંજે ૭.૩૦ વાગ્યે ટ્રેઇલ બ્લેઝર્સ અને સુપર નોવાઝ વચ્ચે મુકાબલો પુર્ણ થયા બાદ તા.૯ને સાંજે ૭.૩૦ વાગ્યે ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ રમાશે.

આ ટુર્નામેન્ટના તમામ મેચ શારજાહના ગ્રાઉન્ડ પર રમાનાર હોવાનું જાણવા મળી રહયું છે.

નંદિતા અઢિયા જે ટીમના કોચ તરીકે પસંદગી કરવામં આવી છે. તે ટ્રેઇલબ્લેઝર્સ ટીમમાં સ્મૃતિ મંઘ ઉપરાંત દિપ્તી શમા પુનમ રાઉત, ઝુલન ગોસ્વામી સહિત દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું આયોજન આઇપીએલની તર્જ ઉપર કરવામાં આવ્યું હોવાથી તેમાં વિદેશના ચાર ખેલાડીઓને રમવાની પરવાનગી આપવામાં આવી છે.

(1:05 pm IST)