Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જેતપુરમાં કાલે મેનેજીંગ કમીટીનું સીલેકશન ન થાય તો રવિવારે ડાઇંગ એસોસીએશનની ચૂંટણી

જુનીયર ટીમની તૈયારી હોવાની ચર્ચા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૪ : શહેરની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાનું છેલ્લા બે વર્ષથી સ્થાઇ શાસન ન રહેવાના કારણે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય અનુભવી લોકો શાસન સંભાળે તેવી કારખાનેદારોમાં ચર્ચા ઉઠી છે. જુનીયર ટીમે એક વર્ષ સંભાળેલ ત્યારે અનેક લોકોએ સહકાર ન આપ્યો હોવાની રાવ કરી રાજીનામુ ધરી દીધું હતું.

જેતપુર ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશનની ચૂંટણીની પ્રક્રિયા આવતીકાલે થવાની હોય જો વચગાળાની મનેજીંગ કમીટીની સર્વાનુમતે વરણી ન થાય તો રવિવારે ચૂંટણી યોજાશે. વર્ષ ર૦૧૯થી ર૦રર ત્રણ વર્ષની ટર્મ માટે બાકી રહેલ સમય માટે વચગાળાની મેનેજીંગ કમીટીના સભ્યોની નિમણૂંક કરવાની પ્રક્રિયા આવતીકાલે સાંજે ૪ કલાકે ધોરાજી રોડ પર આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે યોજાશે. જો સીલેકશન ન થાય તો તા. ૮ રવિવારે ચૂંટણી યોજાશે જે માટે કાલે ફોર્મ ભરવામાં આવશે. જેનું મતદાન રવિવારે સવારે ૯થી ૧ કલાકે થશે.

કારખાનેદારોમાં એવી ચર્ચા ઉઠી છે કે જો અનુભવી સીનીયરો ધુરા સંભાળે તો પ્રદુષણના પ્રશ્નોનો હલ આવી શકશે અને ઉદ્યોગોનું ભાવિ ઉજળુ થશે. શહેરનો ઉદ્યોગ ફલેફાલે અને હજારો લોકોને રોજીરોટી મળે માટે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખુબ પ્રયત્નશીલ રહ્યા છે. આખરે ૭૦૦ કરોડના ખર્ચ પાઇપ લાઇન પ્રોજેકટ પણ સરકારમાંથી મંજુર કરાવેલ. આવતીકાલે નક્કી થશે કે ડાઇંગ એસોસીએશનના હોદેદારોનું સીલેકશન થશે કે ફરજીયાત ઇલેકશન થશે.

(1:06 pm IST)