Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ગોંડલની સબ જેલના જેલર સહિત ત્રણની આગોતરા જામીન અરજી રદ

કોર્ટે જે આરોપીઓને જેલમાં રાખેલ તેવા આરોપીઓને જેલની બહાર મોકલવાના કેસમાં... : આરોપી જેલરે ગંભીર પ્રકારની ગેરરિતી આચરી છે : રેકર્ડમાં ખોટી એન્ટ્રીઓ બહાર આવી છેઃ કેદીઓની બદલે બહારના માણસોને જેલમાં રાખી આરોપીઓને બહાર મોકલી દીધા : સરકારી વકીલ સંજયભાઇ વોરાની દલીલો ધ્યાને લઇ જેલરની આગોતરા અરજી કોર્ટે ફગાવી દીધી

રાજકોટ,તા. ૪: ગોંડલના એડી.સેશન્સ જજ શ્રી આર.પી.એસ. રાઘવ ગોંડલ સબ જેલના જેલર ધીરૂભાઇ પરમારની આગોતરા જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે, કાયદાને માન આપી કાયદાનું પાલન કરાવનાર અધિકારી જ્યારે ખુબ કાયદાનું ઉલ્લંઘન કરે તેને અતિગંભીરતાથી લેવું જરૂરી છે.

આ કેસની હકીકત એવા પ્રકાની છે કે ગોંડલની સબ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા ધીરૂભાઇ પરમાર સામે અનેક ગેરરિતીઓની ફરિયાદ આવતા ગોંડલ સીટી પોલીસે જેલમાં રેઇડ કરેલ ત્યારે જેલની અંદર રાત્રીના સમયે જે કેદીઓ બેરેકમાં હોવા જોઇએ તે કેદીઓ બેરેકની બહાર હતા તેમજ ખુન જેવા ગંભીર ગુનાના આરોપીઓ સેશન્સ અદાલતના હુકમ મુજબ જેલની અંદર હોવા જોઇએ તેવા નીખીલ દોંગાના સાગરીતો સહીત ૫( પાંચ) કાચા કામના કેદીઓ જેલની અંદર જોવા મળેલ નહીં.

 આ ઉપરાંત જે વ્યકિતઓ કોઇ પણ ગુનામાં સંડોવાયેલ નથી તેવા ૫ વ્યકિતઓ જેલની અંદર જોવા મળેલ. વધુમાં આ તમામ વ્યકિતઓના મોબાઇલ નંબરોમાંથી જેલરના મોબાઇલમાં ફોન કોલ્સ થયેલા હતા અને જેલમાંથી મોબાઇલો તથા સીમકાર્ડો મળી આવેલા હતા. જેલબુકમાં ૨ પાનાઓ ચોટાડી દીધેલ હોવાનું જોવામાં આવેલ. તેથી કયા પ્રકારની ખોટી એન્ટ્રીઓ કરવામાં આવેલ છે. તે અંગે કોઇ હકિકત જાણી શકાય નહીં. આ પ્રકારની હકિકત બનતા ગોંડલ સીટી પોલીસે જેલર તથા અન્ય ૧૮ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરતા જેલર શ્રી પરમાર નાશી ગયા હતા. અને ત્યારબાદ આગોતરા જામીન અરજી રજુ કરી સેશન્સ કોર્ટ સમક્ષ એવી રજુઆત કરેલ કે રેઇડના સમયે આ જેલર જેલમાં હાજર ન હતા તેથી તેઓ કોઇ હકિકત જાણતા નથી.

સરકાર તરફે જિલ્લા સરકારી વકીલશ્રી એસ.કે. વોરાએ દલીલો કરતા જણાવેલ કે કોર્ટે અલગ અલગ ગુનાઓમાં જે આરોપીઓને જામીન આપેલ ન હતા તેવા આરોપીઓને આ જેલરે ટુકટે ટુકટે જામીન આપેલ છે. આ રીતે કોર્ટે જે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં રાખેલ છે તેવા આરોપીઓને આ જેલરે જામીન મુકત કરવા જેવા કૃત્ય કરેલ છે. વધુમાં આ જેલરે પોતાની ગેરરિતીઓ પકડાઇ ન જાય તે માટે ખોટી એન્ટ્રીઓ થયેલ જેલબુકના પાનાઓ ચોટાડી દીધેલ છે. જેલર તરીકે જેલમાં હાજર ન હોય ત્યારે પણ જેલરની ફરજ છે કે, તેઓની ગેરહાજરીમાં પણ જેલમેન્યુલ અને કોર્ટમાં હુકમ મુજબ આરોપીઓને જેલમાં રાખવાના હોય છે. પરંતુ હાલના આરોપી જેલરે પોતાની જેલબુક પોતાનો કોર્ટ ઓર્ડર હોય તે રીતે આરોપીઓને પોતાની વ્યકિતગત કસ્ટડી હોય તેમ ગણી ગંભીર ગુનાના આરોપીઓને જેલની બહાર જવા દીધેલ છે. અને તેઓની જગ્યાએ બીજા ઇસોમોને જેલની બેેરેકોમાં સગવડો આપેલ છે. આ ઉપરાંત આ જેલર આરોપીનો ભૂતકાળ જોતા તેઓ અમદાવાદ અને અમરેલી જેલમાં જેલર તરીકે હતા. ત્યારે પણ ગેરરિતીઓની શ્રૃંખલા બનાવેલ હતી. આ તમામ હકિકતો ધ્યાનમાં લેતા હાલના આરોપી જેલર હોવાના બદલે ગુનાઓ આચરવામાં રીઢા આરોપી હોય તે રીતે વર્તી રહેલ છે તેથી આ પ્રકારના આરોપીને જામીન મળવા જોઇએ નહીં. સરકારશ્રીની આ દલીલો ધ્યાનમાં લઇ ગોંડલની સેશન્સ અદાલતે જેલર ધીરૂભાઇ પરમાર તથા તેઓના ૩-સાગરીત આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં સરકાર વતી જિલ્લા સરકારી વકીલ તરીકે શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

(2:45 pm IST)