Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

૯ મુમુક્ષુ આત્માઓનો ગુરુવારે ગોંડલમાં સન્માન સમારોહ

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મા. સા. ના ચરણ શરણમાં દીક્ષા લેવા થનગની રહેલ

રાજકોટ :  પ્રભુના ગૌરવવંતા શાસનની પરંપરાને આગળ વધારતાં અનેક આત્માઓને સંયમના દાન આપી પરમ ઉપકાર કરી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ - શરણમાં દીક્ષા અંગિકાર કરવાં થનગની રહેલાં ૯ મુમુક્ષુઓનું સન્માન કરતાં સમારોહનું આયોજન ગુરૂવાર તા. ૫ સવારના ૯.૩૦ કલાકે ગોંડલ સંપ્રદાયના ગાદીના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું છે.

 આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની ગોંડલ સ્થિત પ્રગટ પ્રભાવક ગાદીના દર્શન અર્થે ગોંડલ પધારી રહેલાં મુમુક્ષુ શ્રી ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રી શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ શ્રી નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ શ્રી એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ શ્રી અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ શ્રી આયુષીબેન મહેતા, મુમુક્ષુ શ્રી મિશ્વાબેન ગોડા, મુમુક્ષુ શ્રી નિધિબેન મડિયા તેમજ મુમુક્ષુ શ્રી દિયાબેન કામદારને આવકારવા શ્રી સૅઘના ભાવિકોમાં અનેરો ઉત્સાહ વર્તાઇ રહ્યો છે.

 નવ - નવ આત્માના સંયમભાવોની અનુમોદના કરતાં શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે, દાદા ગુરુદેવની ગાદીના પાવનકારી પરમાણુઓની સ્પર્શનાએ, શાસનચંદ્રિકા પૂજય શ્રી હીરાબાઈ મહાસતીજી, પૂજય શ્રી તરુબાઈ મહાસતીજી આદિ, સંદ્યાણી સંપ્રદાયના પૂજય શ્રી ઉષાબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદ તથા પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી આદિ ચતુર્વિધ સંદ્યની ઉપસ્થિતિમાં દીક્ષાર્થીઓનું બહુમૂલ્ય સન્માન કરવામાં આવશે.

 માતા - પિતા તરફથી દીક્ષાની આજ્ઞા મળ્યાં બાદ સૌપ્રથમ ગાદીના ગામમાં સંયમ અનુમોદનાનો સ્વીકાર કરવા ૯ મુમુક્ષુ આત્માઓ ધન્યતાની અનુભૂતિ સાથે ગોંડલ પધારશે.

(2:46 pm IST)