Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોડીનારના બોડવા ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની પ્રેમી એ જ હત્યા કરી હોવાનું ખૂલ્યું: હત્યારો સકંજામાં

'પ્રેમ સંબંધમાં વારંવાર પૈસા માંગી માનસિક ત્રાસ આપતી હોય કંટાળીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત

કોડીનાર, તા.૫: તાલુકાના બોડવા ગામ ના મહિલા સદસ્ય નંદુબેન બાબુભાઈ રાઠોડની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવતા આ મર્ડર કેસ નો ભેદ કોડીનાર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી હત્યારાને દબોચી લીધો હતો.

વિગત મુજબ બોડવા ગ્રામ પંચાયત ના મહિલા સદસ્ય ગત મંગળવારે સાંજે ૭ કલાકે વાડીએ મજૂરી કામ માટે ગયા બાદ ગાયબ થઈ જતા અને બીજા દિવસે સવારે ગામ નજીક ખેતરમાંથી નંદુબેન ની ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવતા કોડીનાર પોલીસે આ ખૂન કેસનો ભેદ ઉકેલવા અને હત્યારા ને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશા માં તપાસ હાથ ધરી શંકાના આધારે દિપક પ્રેમજી સોસા રહે. બોડવાને પકડી પાડી ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા પૂછપરછમાં દિપક પ્રેમજી સોસા ભાંગી પડી પોતાના અને મૃતક નંદુબેન વચ્ચે પ્રેમ સંબંધ હોય નંદુબેન અવારનવાર પૈસા ની માંગણી કરતા હોય અને પૈસા ન આપે તો તેમના પ્રેમ સંબંધ ની જાણ દિપક ના માતા પિતા અને ગ્રામજનો ને કરી દેવાની ધમકી આપતા હોય દ્યણા લાંબા સમય થી પૈસા આપી આપી માનસીક રીતે ત્રાસી જતાં પીછો છોડાવવા નંદુબેન નું ખુન કર્યું હોવાની કબૂલાત કરતા કોડીનાર પોલીસ ને ગણતરી ના કલાકો માં મર્ડર કેસ ઉકેલવામાં સફળતા મળી હતી.આ મર્ડર કેસ ઉકેલવા અને આરોપીને પકડી પાડવા પી.આઈ.એસ.એન.ચુડાસમા,પી. એસ.આઈ.જે.આર.ડાંગર સહિત ડી.સ્ટાફ અને ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ એ ટીમવર્ક દ્વારા પ્રશંશનીય કામગીરી કરી હતી.

(11:32 am IST)