Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ચુડાના ભ્રુગુપુર ગામે જમીનના કબજા બાબતે મહિલા સહિત ચાર શખ્સોએ છરીથી હુમલો કરતા યુવાનનું મોત: ત્રણને ઇજા

પોલીસે ગણતરીના કલાકોમાં જ ધીરાભાઇ અને તેમના પત્નિની ધરપકડ કરી :અન્ય બે આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભ્રુગુપુર ગામે જમીનના કબજા બાબતે એક મહિલા સહિત ચાર શખ્સોએ ભેગા મળી યુવાન પર છરી વડે હુમલો કરી યુવાનનું મોત નિપજ્યું હતુ.જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતાં.જ્યારે હત્યાના બનાવના ગણતરીના કલાકોમાં પોલીસે  બે આરોપીને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ ગામમાં રહેતા અરવિંદભાઇ માનસંગભાઇ પરમારને જમીન બાબતે તેમના પાડોશી ધીરાભાઇ જીડીયા સાથે માથાકુટ ચાલતી હતી અને આ બાબતે દિવાની કેસ પણ ચાલતો હતો. ત્યારે મંગળવારે બપોરના સમયે અરવિંદભાઇ અને તેમનો પરિવાર ખેતરે કામ કરતો હતો તે દરમિયાન ધીરાભાઇ જીડીયા તેમના પત્નિ, મફાભાઇ ધુડાભાઇ અને લાલા દેવભાઇ સહીતનાઓ ખેતરે ધસી આવ્યા હતા અને આ જમીનનો કબજો અમારો છે તેમ કહી બોલાચાલી કરી હતી.

ઝઘડો વધુ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ધીરાભાઇ સહીતના ચારેય શખ્સોએ અરવિંદભાઇને છાતીમાં છરીના આડેધડ ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતુ. અરવિંદભાઇને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્નિ અને દિકરાને પણ ઇજાઓ થઇ હતી.

ચુડા પોલીસને આ અંગે જાન થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મ્રુતકની લાશને પીએમ માટે તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતાં. જ્યારે હુમલાખોરો હત્યાને અંજામ આપી ફરાર થઇ ગયાં હતાં.

પોલીસે ધીરાભાઇ જીડીયા તેમના પત્નિ સહીત કુલ ૪ વ્યક્તિઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ધીરાભાઇ અને તેમના પત્નિની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય વે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:51 am IST)