Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજકારણમાં પ્રવેશવા હું તૈયાર છું કઇ પાર્ટીમાં જોડાઇશ તે હવે જાહેર કરીશ : નરેશભાઇ પટેલ

જામનગરમાં સી.આર.પાટીલ સાથે ભાગવત કથામાં આવ્‍યા બાદ પત્રકારો સાથે વાતચીત

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૫ : જામનગરમાં કાલે ધર્મેન્‍દ્રસિંહ જાડેજા આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ અને ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલ સાથે ઉપસ્‍થિત રહેતા રાજકીય ગરમાવો વ્‍યાપ્‍યો છે.

નરેશભાઇ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, હું રાજકારણમાં પ્રવેશવા તૈયાર છું અને ચર્ચા પૂરી થઇ ગઇ છે. કઇ પાર્ટીમાં ક્‍યારે જોડાઇશ તેની જાહેરાત ટુંક સમયમાં કરીશ.

જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મંચ પર કાલે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલ તેમજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ બન્ને એકી સાથે કથા મંચ પર જોવા મળ્‍યા હતા. જેમની સાથે ઉપસ્‍થિત અન્‍ય રાજકીય અગ્રણી અને મહાનુભાવોનું યજમાન પરિવાર દ્વારા ચાંદીના કળશ- ભાગવતજી સહિત સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી સ્‍વાગત અને સન્‍માન કરાયું હતું.

જામનગર શહેરના ભાજપના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મંચ પર કાલે ગુજરાત પ્રદેશના અધ્‍યક્ષ સી.આર.પાટીલ તેમજ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ બંનેની એક સાથેની હાજરી ખૂબ જ સૂચક બની હતી.ᅠ

તેઓ સભા મંડપમાં પ્રવેશે તે માટે ની લાલ જાજમ બિછાવવામાં આવી હતી, અને બંનેના કથા મંડપમાં પ્રવેશ સમયે યજમાન પરિવાર દ્વારા ઉમળકાભેર સ્‍વાગત કરાયું હતું. જેઓ બંને સાથે ચાલીને આવ્‍યા પછી કથા શ્રવણમાં બેઠા હતા, ત્‍યાર પછી કથાનું સત્ર પૂર્ણ થયા બાદ પૂજય રમેશભાઈ ઓઝા ના હસ્‍તે બંનેનું સન્‍માન કરાયું હતું, અને આશીર્વાદ મેળવ્‍યા હતા.

ᅠસાથોસાથ યજમાન પરિવાર દ્વારા બંનેને મોટા હાર પહેરાવીને સ્‍વાગત કરવાની વ્‍યવસ્‍થા ગોઠવાઇ હતી,ᅠ ત્‍યાર પછી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના વક્‍તવ્‍યમાં ભાગવત સપ્તાહના આયોજન અને પૂજય ભાઈશ્રીના આશીર્વાદ ને લગતી વાત કરીને યજમાન પરિવાર ને માત્ર અભિનંદન પાઠવ્‍યા હતા. તેમજ મંચ પરથી કોઈ રાજકીય વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

ᅠત્‍યારબાદ પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર. પાટીલે પણ પોતાના વક્‍તવ્‍યમાં અન્‍ય કોઈ રાજકીય વાતો કરી ન હતી, અને ભાગવત સપ્તાહ ના આયોજન અને પૂજય ભાઈશ્રી ના આશીર્વાદ મેળવવા વિશે જ વાત કરી હતી. કોઈ રાજકીય ચર્ચા કરી ન હતી.જેમની સાથે મંચ પર ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, તેમજ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ મુંગરા તેમજ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા વગેરે પણ જોડાયા હતા. જે તમામનું પણ યજમાન પરિવાર દ્વારા સન્‍માન કરીને સ્‍મૃતિચિન્‍હ ની ભેટ અપાઇ હતી. મંચ પર તમામ ઉપસ્‍થિત રાજકીય અગ્રણીઓએ પૂજય ભાઈશ્રી ના આશીર્વાદ પણ મેળવ્‍યા હતા. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:49 am IST)