Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

આટકોટમાં અદ્યતન હોસ્‍પિટલ તૈયારઃ વડાપ્રધાનના હસ્‍તે ઉદ્દઘાટનની તૈયારી

તા.ર૦મી આસપાસ જંગી જનમેદની વચ્‍ચે કાર્યક્રમ યોજાવાની શકયતા

રાજકોટ તા. પ : આટકોટમાં પટેલ સમાજ દ્વારા રૂપિયા પચાસેક કરોડના ખર્ચે વિવિધ રોગ માટેની અદ્યતન હોસ્‍પિટલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે આ હોસ્‍પિટલનું વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદ્દઘાટન કરાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આયોજકોએ વડાપ્રધાન કાર્યાલય ખાતે નિમંત્રણ મોકલી દીધાનું અને ત્‍યાંથી પ્રારંભિક આશાસ્‍પદ પ્રતિસાદ મળ્‍યાનુ઼ જાણવા મળે છે જો વડાપ્રધાન ઉદ્દઘાટન માટે રૂબરૂ ન આવી શકે તો ઓનલાઇન ઉદ્દઘાટન કરાવવાનો બીજો વિકલ્‍પ ખૂલ્લો છે.
આટકોટના મુખ્‍ય રોડ પર જ લેબોરેટરી, મેડીકલ સહિતની સુવિધા સાથે ર૦૦ બેડની હોસ્‍પિટલ બનાવવામાં આવી છે જયાં જટીલ ઓપરેશન સહિતની અદ્યતન સારવાર રાહતદરે કરવામાં આવશે તા.ર૦ મે આસપાસ ઉદ્દઘાટન માટે આયોજકો દ્વારા પ્રાથમિક તૈયારી થઇ રહી છે. વડાપ્રધાનના આગમનની સંભાવનાના પગલે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક હિલચાલ શરૂ થઇ ગયાના નિર્દેષ છે. વડાપ્રધાન શ્રી મોદીની અનુકુળતા મુજબ કાર્યક્રમની તારીખમાં ફેરફારની શકયતા નકારાતી નથી કાર્યક્રમનું સ્‍વરૂપ અને સમય ટુંક સમયમાં જાહેર થવાની શકયતા છે.

 

(4:08 pm IST)