Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મન હોય તો માળવે જવાયઃ પ્રજ્ઞાચક્ષુ યુવાન સોફટવેર એન્જીનીયર બન્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૫: જેનો હોંસલો બુલંદ છે એવા લોકો શારીરિક અક્ષમતા ને અવગણી ને માનસિક બળ વડે આગળ વધે છે. અને વિશ્વ માટે મિશાલ બને છે. હાથ પગ કે આંખ ન હોવાથી એમની જિંદગી અટકી જાતી નથી,આવું જ એક વિરલ વ્યકિતત્વ મેંદરડા નો વતની અને ગુજરાતનો પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સોફ્ટવેર એન્જિનિયર ભાર્ગવ હરસુખભાઈ વઘાસિયા જેણે આંખોનાં અંધાપાને આત્મબળનાં સહારે પ્રકાશીત કર્યો છે.

ગોંડલની એમ બી કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સ ની ડીગ્રી મેળવી છેલ્લા ચાર વર્ષથી બેંગલોર મલ્ટી નેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જીનીયર તરીકેની ફરજ બજાવે છે. તેની કંપનીમાં ૧૫૦૦ કર્મચારીઓમાં ભાર્ગવ પ્રથમ પ્રજ્ઞાચક્ષુ કર્મચારી છે. ગજબની માસ્ટરી ધરાવતો ભાર્ગવ જયારે આંગળીના ટેરવે કોમ્પ્યુટર ઓપરેટ કરે ત્યારે ભલભલા એકસપર્ટ પણ મોઢામાં આંગળા નાખી દેવા મજબૂર બની જાય છે

મજબૂત ઇરાદા સાથે ભાર્ગવ કહે છે કે 'આપણે સફળ ત્યારે જ કહેવાય કે જયારે બીજાને સફળ થવામાં મદદરૂપ બનીએ. આ વાતને ભાર્ગવે સાર્થક કરી છે. ભાર્ગવે પોતાની કંપનીમાં ૧૦ પ્રજ્ઞાચક્ષુઓને નોકરી અપાવી છે.

આ ઉપરાંત નોકરીની સાથે સાથે ઓનલાઈન સોફ્ટવેર ટેસ્ટિંગ અને પ્રોગ્રામિંગની ટ્રેનીંગ આપી એક સારું એજયુકેશન બીજા પ્રજ્ઞાચક્ષુ માટે પૂરું પાડે છે.

(10:37 am IST)