Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ઓખામાં દુકાનમાંથી ખરીદેલા ધૂળેટીના કલર સ્પ્રેથી બાળકને ઝેરી અસર થઇ

ખંભાળીયા તા. પઃ ઓખામાં નવીનગરી લહેરી માતાના મંદિર પાસે રહેતાં ભાવેશભાઇ સોમાભાઇ તાવડી વાડાએ ગત તા. ર૯/૩ના રોજ ઘર પાસે આવેલી દુકાનમાંથી તેમના પુત્ર માટે હોળી-ધુળેટી રમવા માટે કલર સ્પ્રે લીધો હતો ગઇકાલે તેમનો પુત્ર મિતરાજ (ઉ.વ. ૯) નો આ સ્પ્રેની બોટલથી રમતાં તેની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં ફરજ પરના તબિબે ઝેરી અસર થઇ હોવાનું જણાવતાં આ અંગે ભાવેશભાઇએ દુકાનદાર નંદલાલ જેઠાભાઇ સુરજ તથા નરેશ નંદલાલ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

અમારા ટીસીમાંથી વાયર કેમ કાપી નાખે છે?

કેશોદ ગામે રહેતો દિલીપસિંહ હઠીભા કેર નામના યુવક ગઇકાલે પોતાની વાડીએ હતો ત્યારે કૌટુંબિક ભાઇઓ માધુભા માનસિંગભા કેર, રવિરાજસિંહ માધુભા કેર, લખુભા માનસિંગભા કેર ત્રણેયએ મળી યુવકને ગાળો કાઢી ઢીકા પાટુનો માર મારતાં સારવાર લીધી હતી. બનાવ અંગે દિલીપસિંહ કેરએ ખંભાળિયા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ગઇકાલે હું મારી વાડીએ હતો ત્યારે કૌટુંબિક ભાઇઓ માધુભા માનસિંગભા કેર, રવિરાજસિંહ માધુભા કેર, લખુભા માનસિંગભા કેર અમારી વાડીના રસ્તેથી નિકળ્યાં હતાં અને મને કહેવા લાગેલછ કે તું અમને અમારા રસ્તામાંથી નિકળવાની કેમ ના પાડે છે અને ટ્રાન્સફોર્મરના વાયર કેમ કાપી નાખે છે કહી મારમાર્યો હતો પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઓખામાં જુગાર રમતાં બે ઝડપાયા

ઓખાના બર્માશેલ કવાર્ટર મફતીયા પરામાં જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતાં અલારખા ભીખા તુરક, તાલબ ઇશા ગજણને રોકડ ૪પ૪૦ની મતા સાથે ઓખા મરીન પોલીસ મથકના હેડ કોન્સ. ડી. વી. જોગલ સહિતના સ્ટાફે ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ખંભાળિયામાં રિક્ષા રાખવા બાબતે યુવક પર ત્રણનો હુમલો

બંગલાવાડી જલારામ આવાસમાં રહેતા અને મજૂરી કામ કરતાં દિલીપ શાંતિલાલ અનડકટ (ઉ.વ.૪૦) નામના લોહાણા યુવક ગઇકાલે જોધપુર નાકા પાસે હનુમાનજીના મંદિર પાસે ઉભો હતો ત્યારે સંજય નાથા મેઘવારે પોતાની રિક્ષા રાખવા બાબતે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો જે બાદ યુવક ભગવતી હોલ પાસે પહોંચતાં સંજય નાથા મેઘવારે દેવા નાથા મેઘવાર, કિશન ઉર્ફે પાંચો ત્રણેય શખ્સોએ ગાળો કાઢી ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમારતાં યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે દિલીપ અનડકટની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)