Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

પોરબંદરમાં ૧૮૧ અભયમ ટીમે રિસામણે બેઠેલી પત્ની સાથે સમાધાન કરાવ્યું

પોરબંદર તા.૫: ૧૮૧ અભયમ હેલ્પલાઇન પિડીત મહિલાઓ માટે આશીર્વાદરૃપ સાબિત થઇ રહી છે. ઘરેલું હિંસા, છેડતી, કામના સ્થળે જાતીય સતામણી જેવા અનેક બનાવમાં મદદ, સલાહ–સુચન, માર્ગદર્શન અને બચાવ કરી મહીલાને ભયમુકત બનાવતી અભયમ ટીમ મહીલાઓની મદદ માટે દિવસ રાત કામ કરી રહી છે. જિલ્લાના છેવાડાના ગામમાંથી એક બહેન દ્વારા ૧૮૧માં કરી મદદ માંગીને જણાવ્યુ હતું કે, હું બે વર્ષથી પિયરમાં રિસામણે છું. મારા માતા–પિતા તથા પતિને સમજાવી મારે સાસરિયામાં જવું છે, જેથી બંને પરિવાર વચ્ચે સમાધાન કરાવવા ૧૮૧માં કોલ કર્યો છે.

પીડિતાના ફોન બાદ ટીમના કાઉન્સેલર સોલંકી મીનાક્ષી, કોન્સ્ટેબલ કિરણબેન, પાયલોટ કિશન દાસા સહીત સ્થળ પર પહોંચી પીડિતાને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કરતા પીડિતાએ જણાવ્યુ કે, તેમના લગ્નને ૧૦ વર્ષ થયેલ હોય, તેઓને એક બાળક પણ હોય અને ૨ વર્ષ પહેલા પતિ સાથે ઝઘડો થતાં પીડિત મહિલા પિયરમાં બાળકને લઇ આવી હતી. ત્યારબાદ સાસરીના લોકોએ બે–ત્રણ વાર સમાધાન માટે વાત કરેલી પણ બંને પરિવાર વચ્ચે સમાધાન થયા ન હતા. પરંતુ માટે સમાધાન કરી પતિના ઘરે જવું હોય તેથી બંને પરિવારને સમજાવવા માટે ૧૮૧ની મદદ જોઇએ છે.

૧૮૧ ટીમ દ્વારા પીડિતાના માતાપિતાની વાત સાંભળી તેઓનું કાઉન્સિલિંગ કરતા પિયરના સભ્યો દિકરીને સાસરે મોકલવા તૈયાર થયા હતા. ત્યારબાદ પીડિતાના પતિન ફોન કરી સ્થળ બોલાવી પીડિતા તથા તેના પતિનું કાઉન્સિલિંગ કરી તેમના અને તેમના બાળકના ભવિષ્ય વિશે સમજણ આપી જીવન જીવવા માટે માર્ગદર્શન આપ્યુ હતું. જેથી પતિ પણ પત્ની સાથે રહેવા તૈયાર થયો હતો.

આમ બન્ને પક્ષ સમાધાન માટે માની ગયેલ પરંતુ પીડિતાના પતિ પોલીસ સ્ટેશન જઇ કાયદાકીય રીતે લખાણ કરી પોલીસ સ્ટેશનમાંથી તેઓને તેમની પત્ની સોપવામાં આવે તેવો આગ્રહ રાખતા હોય તેથી બંને પક્ષને મહિલા પોલીસ સ્ટેશન લઇ ગયેલ ત્યાં હાજર મહિલા કોન્સ્ટેબલ રમાબેન બાલસને તમામ માહિતીની જાણ કરતા તેઓએ બંને પક્ષોનું નિવેદન લઇ બંને પક્ષની હાજરીમાં પિડીતાને તેમના પતિને સોંપી હતી.

(11:41 am IST)