Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આજે નલીયા કરતા વલસાડ- ગાંધીનગરમાં ઠંડી વધુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીના વહેલી સવારે શિયાળો ત્યારબાદ ઉનાળા જેવુ હવામાન

રાજકોટ,તા. ૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં હજુ શિયાળાનો માહોલ બરાબરનો જામતો નથી. માત્ર મોડી રાત્રીથી વહેલી સવાર સુધી શિયાળાની ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે.

દરરોજ કચ્છના નલીયામાં ઠંડીની અસર વધુ હોય છે. પરંતુ આજે નલીયા કરતા સુરતના વલસાડના અને ગાંધીનગરમાં ઠંડી વધુ છે. આજે નલીયાનું લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી નોંધાયુ છે. જ્યારે ગાંધીનગર અને વલસાડનું લઘુતમ તાપમાન ૧૫.૦ ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૦ ડિગ્રી નોંધાયુ છે.

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ -તેમ ગરમીની અસર વધવા લાગે છે.અને બપોરના સમયે અસહ્ય ઉકળાટ સાથે ઉનાળાનો અનુભવ થાય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારે શિયાળો અને બપોરે ઉનાળા જેવી ગરમીથી લોકો બેવડી ઋતુઓ અનુભવ કરી રહ્યા છે.

બેવડી ઋતુના કારણે શરદી-ઉધરસનો રોગચાળો પણ વકર્યો છે. રાજ્યમાં કચ્છ સહિત ૧૧ શહેરોનું તાપમાન ૧૪થી ૧૮ ડિગ્રી આસપાસ નોંધાયું હતું.

રાજ્યમાં સૌથી વધું ઠંડુ નગર નલીયા બન્યું હતું. ગઇ કાલે કરતા એક ડિગ્રી તાપમાન નીચે ઉતરી નલીયામાં પારો ૧૪.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો. ભુજમાં ૧૯.૬, કંડલા એરપોર્ટમાં ૧૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગઇ કાલે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પ્રતિ કલાકે ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.

બપોરે શહેરનું મહતમ તાપમાન ૩૬.૧  ડિગ્રી નોંધાયું હતું. આમ નગરજનોએ સવાર -બપોર ડબલ ઋતુનો અનુભવ કર્યો હતો.

ગઇ કાલે કેશોદમાં ૧૭.૨, અમરેલીમાં ૧૮, મહુવા ૧૮.૫, પોરબંદરમાં ૧૮.૬, સુરેન્દ્રનગરમાં ૧૯, ભાવનગરમાં ૧૯.૮, દિવમાં ૨૦.૨, વેરાવળમાં ૨૨.૪, દ્વારકામાં ૨૨.૪, ઓખામાં ૨૫.૨ ડિગ્રી તાપમાનનો પારો ગગડી રહ્યો છે. હિમાચલપ્રદેશમાં થએલ બરફ વર્ષાના કારણે આગામી દિવસોમાં પારો હજૂ બે-ત્રણ ડિગ્રી નીચે ઉતરે એવા એંધાણ મળી રહ્યા છે.

(11:10 am IST)