Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં શિક્ષણકાર્ય મામલે વડી કચેરીને રીપોર્ટ કરાયો : ડીઇઓ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫: વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શિક્ષણકાર્ય થતું હોય જે ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ ટીમે ચેકિંગ કરતા વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું જે ઘટના મામલે શાળાએ રજુ કરેલ ખુલાસો શિક્ષણ અધિકારીએ ગાહ્ય રાખ્યો ના હોય અને વડી કચેરીને રીપોર્ટ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ નહિ પરંતુ શાળાએ જ શિક્ષણ અપાશે તેવી જાગૃત વાલીએ ઓડિયો કલીપ સાથે જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીને ફરિયાદ કરી હતી જેના પગલે ગત બુધવારે શિક્ષણ અધિકારી ટીમ દ્વારા સ્થળ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩૧ વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જેના નિવેદનો નોંધવામાં આવતા ૭૫ વિદ્યાર્થીના નિવેદન નોંધાયા હતા તો શાળા સંચાલક યોગેન્દ્રસિંહ આવી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનો લેવા દીધા ના હોય અને શિક્ષણ અધિકારીની ફરજમાં પણ રૂકાવટ પેદા કરવામાં આવી હતી જેથી કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ કરાયો હોય શાળા સંચાલકને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી અને જવાબ રજુ કરવા જણાવ્યું હતું જેને પગલે શાળાએ લેખિત ખુલાસો રજુ કર્યો હતો પરંતુ મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીએ તે ખુલાસો ગાહ્ય રાખ્યો ના હોવાનું જણાવ્યું હતું તેમજ વડી કચેરીને રીપોર્ટ કરવામાં આવ્યો છે અને વડી કચેરીની સુચના મુજબ આગળની કાર્યવાહી કરાશે તેમ ડીઈઓએ જણાવ્યું હતું.

(11:32 am IST)