Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કેશોદના જલારામ મંદિરે યોજાયો મેગા નિદાન કેમ્‍પ

 (સંજય દેવાણી દ્વારા) કેશોદ :  જલારામ મંદિર  દ્વારા ગઈકાલે રવિવારે મેગા નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલું હતુ. જલારામ  મંદિર દ્વારા વર્ષોથી યોજાતા નેત્ર નિદાન કેમ્‍પ તેમજ ચામડીના દર્દીઓ માટેનો કેમ્‍પ  રાખવામાં આવેલો હતો. આ કેમ્‍પની અંદર આવકાર હોસ્‍પિટલના ડોક્‍ટર શ્રીશ્‍યામ પાનસુરીયા દ્વારા નિઃશુલ્‍ક સેવાઓ આપવામાં આવેલી હતી. તેમજ સાંધાના દુઃખાવા સાયટીકા અને અન્‍ય દુખાવા માટે ડોક્‍ટર ઉમેશ ભટ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી. આ ઉપરાંત  સરકારી હોસ્‍પિટલના દિપેનભાઈ અટારા અને નિકિતાબેન દ્વારા હોમિયોપેથી સારવાર આપવામાં આવેલી હતી તેમજ તેમના દ્વારા નિશુલ્‍ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવેલું હતું. આ ઉપરાંત ડાયાબિટીસ ચેક અપ માટેનો કેમ્‍પ પણ યોજવામાં આવેલો હતો. નેત્ર નિદાન કેમ્‍પમાં રાજપૂત સમાજ આગેવાન અને ભારત વિકાસ પરિષદના મંત્રી મહાવીરસિંહ જાડેજા,         ડો. સ્‍નેહલભાઈ તન્ના, દિનેશભાઈ કાનાબાર,  ડી વાય એસ પી બી.સી.ઠક્કર  દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ હતો. આ કેમ્‍પમાં લગભગ ૩૦૦ જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૮૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે  રાજકોટ રણછોડદાસજી હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. જ્‍યાં તેઓને નિઃશુલ્‍ક ઓપરેશન કરી અને નેત્રમણી પણ નિઃશુલ્‍ક બેસાડી આપવામાં આવે છે. મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે જલારામ મંદિર દ્વારા યોજાતા  નેત્ર નિદાન કેમ્‍પમાં આજુબાજુના ઘણા ગામોમાંથી ઓપરેશન માટે દર્દીઓ અત્રે આવે છે. કેમ્‍પમાં ભોજન દાતા તરીકે હીરાભાઈ જોટવાના પિતાશ્રી અરજણભાઈ જીવાભાઇ જોટવા દ્વારા સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવેલો હતો. મંદિરના ટ્રસ્‍ટી રમેશભાઈ રતનધાયરા દિનેશભાઈ કાનાબાર ડોક્‍ટર તોહલ તન્ના અને  ડીવાયએસપી  બી.સી. ઠક્કર  હાજર રહ્યા હતાં.

(1:39 pm IST)