Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કેશોદ તાલુકા પંચાયતના પટ્ટાવાળા ભરતભાઇ પરમાર વ્યાજખોરીમાં ફસાતા એસિડ પી જિંદગી ટુંકાવી લીધી

પાંચેક લોકો પાસેથી રકમો લીધાની ચિઠ્ઠીમાં નોંધઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડતાં કેશોદ પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૬: કેશોદના રાજનગરમાં રહેતાં અને કેશોદ તાલુકા પંચાયતમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં ભરતભાઇ હીરાભાઇ પરમાર (ઉં.૪૯) નામના કોળી પ્રોૈઢે ગત સાંજે પાંચેક વાગ્યે એસિડ પી લેતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વ્યાજખોરીમાં ફસાઇ જતાં પાંચેક લોકો વ્યાજ માટે હેરાન કરતાં હોઇ તે કારણે તેમણે આ પગલુ ભર્યાનું અને ચિઠ્ઠીમાં પાંચ લોકોના નામ પણ હોવાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું.
ભરતભાઇ પરમારને રાતે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે કેશોદ પોલીસને જાણ કરી હતી. ભરતભાઇ છ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે કેશોદ તાલુકા પંચાયતમાં પ્્યુન તરીકે નોકરી કરતાં હતાં.
પરિવારજનોના કહેવા મુજબ કોઇપણ કામ સબબ ભરતભાઇએ અલગ અલગ લોકો પાસેથી અમુક રકમ વ્યાજે લીધી હતી. હાલમાં વ્યાજ ભરી શકતા ન હોઇ ચડત વ્યાજની ઉંઘરાણી માટે ધમકી મળતી હોવાથી તેઓ એસિડ પી ગયા હતાં. ભરતભાઇએ લખેલી ચિઠ્ઠીમાં ભરત તથા મનસુખભાઇ પાસેથી ૨,૫૦,૦૦૦, જગાભાઇ દરજી પાસેથી ૫૫,૦૦૦, દેવાભાઇ પાસેથી ૪૪૦૦૦, હુશેનભાઇ પાસેથી ૧૫ હજાર, નરાણભાઇ પાસેથી ૫૦૦૦ લીધાનો ઉંલ્લેખ છે. દેવાભાઇના નામ સાથે દવે તા.પંચાયત પણ લખેલું છે. કેશોદ પોલીસ આ ચિઠ્ઠીને આધારે તપાસ કરશે. ખરેખર આ લોકોએ વ્યાજે નાણા આપ્યા હતાં કે કેમ? ઉંઘરાણી માટે ત્રાસ હતો કે કેમ? તે હવે પછી તપાસ થશે.

 

(11:27 am IST)