Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વનરાજોને નિહાળતા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા

સાસણ ખાતે સિંહ લોકેશન રેડિયો કોલર અને ગીરજંગલની માહિતી મેળવી વન્યપ્રાણી હોસ્પિટલની મુલાકાત લીધી

જૂનાગઢ તા. ૬ : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને ડેપ્યુટી ચૂંટણી કમિશનર ચંદ્રભૂષણ કુમારે એશીયાટીક લાયનના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલના ડેડકળી વિસ્તારમાં મુકતપણે વિહરતા વનરાજોને નિહાળ્યા હતા. એશીયાટીક લાયનને જંગલમાં વિહરતા નિહાળવા એક લહાવો છે. 

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા ના આ પ્રવાસમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એચ. મુરલી ક્રિષ્ના કેન્દ્રીય ચૂંટણી આયોગ ખાતેના પીઆઈબીના એડિશનલ ડાયરેકટર જનરલ શેફાલી શરણ સાસણ ગીરના જંગલની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા હતા. જયા તેમની સાથે રહેલા સાસણના ડીસીએફ મોહન રામ દ્વારા સિંહ વિશે માહિતગાર કર્યા હતા.

સાસણ ખાતે સિંહ દર્શન માટે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા આવી પહોંચતા જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી  ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, સાસણના ડીસીએફ મોહન રામ, પ્રાંત અધિકારીશ્રી અંકિત પન્નુ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  વી.એન સરવૈયાએ મુખ્ય ચૂંટણી કમિશનરનું  સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.

કમલેશ્વર ડેમ સાઇટ પર સિંહ દર્શન માટે જંગલની મુલાકાત લીધી હતી. તેમણે સિંહ દર્શન સાથે વન્યપ્રાણી સૃષ્ટીને પણ નિહાળી હતી.  સાથે સાસણ ખાતે આવેલ મોનીટરીંગ રૂમની મુલાકાત લેતા ડીસીએફ મોહન રામ દ્વારા જંગલમાં સિંહનાં રહેણાંક, પાણીના  સ્ત્રોત, વિસ્તાર અને સિંહના રેડિયો કોલર વિશે માહિતગાર કર્યા હતા તેમજ એનિમલ કેર સેન્ટર (વન્ય પ્રાણી હોસ્પિટલ)ની મુલાકાત લઇ સિંહ-દીપડા અંગેની માહિતી સાથે તેમની સારવાર અંગેની વિગતો મેળવી હતી.

(12:56 pm IST)