Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મોરબી પાલિકા પ્રમુખના પતિ - ઉપપ્રમુખને કોરોના

સિવિલ હોસ્પિટલના કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવો પડયો : તાલુકા પંચાયત અને સિવિલમાં પણ કેસ નોંધાયા

મોરબી તા. ૬ : લોકોને સારવારને બદલે પીડા આપવા માટે બદનામ મોરબી સિવિલ હોસ્પિટલમાં વધુ એક મનસ્વી વલણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના બે ફાર્માસિસ્ટને કોરોનાના લક્ષણો જનતા સિવિલની કોરોના ઓપીડીમાં ટેસ્ટમાં તે જતા નનૈયો ભણી દેવામાં આવતા ના છૂટકે ખાનગીમાં રૂપિયા ખર્ચી કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો હતો અને બંને કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલના અંધેર વહીવટ પ્રત્યે વસવસો વ્યકત કર્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા મધુભાઈ એચ.બલદાણીયા અને દીપમાલાબેન ચૌહાણ નામના કર્મચારીની તબિયત લથડવાની સાથે બન્નેને નબળાઈ આવવાની સાથે શરીર તૂટતાં સિવિલ હોસ્પિટલની કોરોના ઓપીડીમાં તબિયત બતાવવા ગયા હતા અને કોરોના ટેસ્ટ માટે કહેતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોતાના જ કર્મચારી અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને જ કોરોના ટેસ્ટની ના પાડી દેવામાં આવી હતી.

બાદમાં સિવિલ હોસ્પિટલ મોરબીના જુનિયર ફાર્માસીસ્ટ દ્વારા મોરબીના ખાનગી એકયુર ડાયગ્નોસિક સેન્ટરમાં રૂપિયા ૧૨૦૦ ચૂકવી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને મોરબી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સાથે જ સિવિલ હોસ્પિટલમાં આવું વર્તન થતા સામાન્ય નાગરિકો સાથે કેવો વર્તાવ થતો હશે તે અંગે સિવિલના કર્મચારીઓએ વસવસો વ્યકત કર્યો હતો.

આ ગંભીર બનાવ મામલે જિલ્લા વહીવટીતંત્ર અને મોરબી સિવિલના કહેવાતા સુપ્રિન્ટેન્ડન્ટ સામાન્ય નાગરિકોની સાથે પોતાના કર્મચારીઓના આરોગ્યની પણ ખેવના કરે અને ઓપીડીમાં ચાલતી લાલીયાવાડી બંધ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી કચેરીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. પ્રથમ જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાએ ભરડો લીધા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતનો પણ વારો કાઢ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ, ડે.ડીડીઓ સહિતના સાતેક અધિકારીઓને કોરોના વળગ્યા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની પણ તેવી જ સ્થિતિ બની રહી છે. નગરપાલિકામાં અગાઉ ૭દ્મક ૮ સદસ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ હવે ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રમુખના પતિ, બે સદસ્યો તેમજ અન્ય કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ પણ કરી છે.

આ ઉપરાંત તાલુકા પંચાયતમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. કુલ ૪થી ૫ સદસ્યો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બેથી ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ સરકારી કચેરીઓમાં હવે કોરોનાના કેસો વધી રહ્યા હોય કચેરીના કર્મચારીઓએ ઉપરાંત સામાન્ય લોકોએ ખાસ તકેદારી રાખવાની તાતી જરૂર જણાય રહી છે.

(1:05 pm IST)