Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જામનગરની નવી કોર્ટ બિલ્ડીંગની લિફ્ટમાં પોલીસકર્મી સહીત 10 લોકો ફસાયા : તમામનું સુરક્ષીત રેસ્ક્યુ કરાયું

ટેક્નિકલ ફોલ્ટના કારણે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી અંદર તરફ ઉતરી ગઈ: ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી આવીને તમામને બહાર કાઢ્યા

જામનગરના કોર્ટના નવા બિલ્ડીંગમાં  આવેલી લીફટમાં આજે સવારે 11 વાગ્યા આસપાસ 6 અરજદારો અને 4 પોલીસ કર્મચારીઓ કોર્ટ કેસના કામ અંગે જતા હતા ત્યારે અચાનક લીફટ બંધ થઇ ગઇ હતી. આ બનાવને પગલે લોકોનું ટોળુ એકઠું થયું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલીક દોડી ગઇ હતી અને થોડી જ મિનિટમાં લીફટ ખોલી તેમાં ફસાયેલા પોલીસકર્મી સહિતના તમામ 10 લોકોને સહી સલામત બહાર કાઢયા હતા.

ટેક્નિકલ ફોલ્ટના કારણે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી અંદર તરફ ઉતરી ગઈ હતી જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને તુરંત જ ટોળું ભેગુ થઈ ગયું હતું. આ સમયે ત્યાં હાજર રહેલા એડવોકેટ રાજેશભાઈ ગોસાઈએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે જ ટેકનિશિયનની ટીમને પણ બોલાવી લેવાઇ હતી.

 

ટીમ પહોચે તેટલા સમયગાળા દરમિયાન એડવોકેટ તેમજ અન્ય હાજર લોકો દ્વારા લીફટના દરવાજાની વચ્ચે એક પાઈપ ભરાવીને થોડી જગ્યા કરી દેતા અંદર રહેલા તમામ 10 વ્યક્તિઓ માટે થોડો સમય રાહત મળી હતી. આજે બપોરના સમયે કોર્ટ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ચાર પોલીસકર્મીઓ બે કેદીને લઈ નવી બિલ્ડિંગમાં પહોંચ્યા હતા. અહીં લિફ્ટ ચાલુ કરીને મુસાફરો લીફ્ટમાં ચડતા જ કોઈ કારણોસર લિફ્ટ બંધ પડી ગઈ હતી. કેદી અને પોલીસ કર્મીઓ સાથે અન્ય લોકો પણ લિફ્ટમાં ફસાયા હતા. લિફ્ટ બંધ થવાના કારણે દેકારો થતા વકીલો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયરની ટીમ દ્વારા તમામને સલામત રીતે બહાર કાઢતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ લીફટનું સમારકામ ચાલી રહ્યું હોય વકીલો અસીલ તેમજ કેદીઓ વગેરેને પગથિયાં ચઢીને ઉપર જવાનો વારો આવ્યો છે.

સમગ્ર પ્રક્રિયા દસ મિનિટ સુધી જ ચાલી હતી અને ટેકનિશિયનની ટીમ દ્વારા લીફ્ટનો દરવાજો ખોલીને જુદો પાડી દેવાયો હતો. અંદર રહેલા ચાર પોલીસ કર્મચારીઓ ઉપરાંત 302ના ડબલ મર્ડરના આરોપીઓ ચંદ્રેશ ગોહિલ અને અર્જુન નામના બે કેદી તથા અન્ય અરજદાર વગેરેને એક પછી એક હાથ દઈને ઉપર ખેંચી લેવામાં આવ્યા હતા. જેથી તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(9:50 pm IST)