Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ભાવનગરનાં વેળાવદરમાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહઃ વિદ્યાર્થી સંમેલન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૬ : કોઈ શિક્ષકનો સેવાનિવૃત્તિનો વિદાય ઉત્‍સવ ગામ પોતાના ભાવથી ઉજવે અને ગામ આખું પોતાપણું દર્શાવી સંમિલ્લિત થાય તેવાં દ્રશ્‍યો તમને જવલ્લે જ મળે. આજે પણ ક્‍યાંક કોઈક શિક્ષક નિવૃત્ત થાય તો તેની નોંધ સુદ્ધા લેવાનો વિવેક તેમના અનુગામીઓ પાસેથી મળતો નથી.તો જનસમુહની તો વાત જ શું !? ત્‍યારે શિક્ષક માટે લોક ડાયરા સહિત જાજરમાન સમારોહનું આયોજન એ આજનાં સમયમાં નવાઈ પમાડે તેવું છે.

વાત છે ગારીયાધારના વેળાવદરના આચાર્ય તખુભાઈ સાંડસુરની. તેઓ બે વર્ષ પહેલા નિવૃત થયાં હોય કોરોના સમયના કારણે વિદાય ઉત્‍સવનું આયોજન શક્‍ય ન થયું હોય તાજેતરમાં તેને ષષ્ઠીપૂર્તિ સમારોહના નામાભિધાનથી ઉત્‍સવ તરીકે ઉજવવાનો નિર્ણય થયો.તેઓ શિક્ષણની નીતિથી શરું કરી કાર્યાન્‍વયનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં છે.અનેકવિધ હોદાઓ સંભાળતા સંભાળતા સહ અભ્‍યાસિક અને સામાજિક પ્રવૃત્તિઓ માં તેમના યોગદાનનું આ અભિવાદન થાય છે. આગામી ૬ મે અને ૭ મે ના રોજ વેળાવદરમાં આયોજન મુર્ત થઈ રહ્યું છે. ૬ મેના રોજ લોક કલાકારો અનિલ વંકાણી, વર્ષા બગથરીયા, ધરમ વંકાણી અને જીગ્નેશ કુંચાલા દ્વારા લોકસાહિત્‍યની રસલ્‍હાણ કરી રાતને લોકો મનભરીને માણશે.ડાયરાના પ્રથમ ચરણમાં સુરત, અમદાવાદથી પધારેલ મહેમાનોનું અને શાળામાં અભ્‍યાસ કરી ચુકેલાં પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનું સન્‍માન અને વિદ્યાર્થી સંમેલન થશે. ૭મી મેના રોજ સવારે ૯ કલાકે યોજાયેલાં સમારોહમાં આશીર્વાદ આપવા માનવ મંદિર સાવરકુંડલાના પુ શ્રી ભક્‍તિરામબાપુ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમના પ્રમુખસ્‍થાને શ્રી દિલીપભાઈ સંદ્યાણી ચેરમેન ઈફકો અને ઉદ્‍દ્યાટક તરીકે ધારાસભ્‍યશ્રી કેશુભાઈ નાકરાણીની હાજરી રહેવાની છે. ધારાસભ્‍યશ્રી અમરીશભાઈ ડેર, પ્રતાપભાઇ દુધાત અને કનુભાઇ બારૈયા માજી ધારાસભ્‍યો શ્રી મહેન્‍દ્રસિહ સરવૈયા, બાલુભાઈ તંતી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએન.જ.વ્‍યાસ, નાનુભાઈ શિરોયા મંદાકિનીબેન પુરોહિત બીપીનભાઈ વગેરેની પણ ગરિમામયી હાજરી રહેશે.શ્રી તખુભાઈ સાંડસુરની સ્‍મરણિકા ‘પમરાટ'નું વિમોચન પણ થશે.અતિ તેજોમય વિદ્યાર્થી પ્રતિભાઓને સન્‍માનીત કરાશે. સંરપચ સહિતના ગ્રામજનોᅠ સમારોહની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:37 pm IST)