Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

મોરબીમાં આખે આખો ટ્રક ભરી ટાઇલ્સ ચોરી જનાર ઝડપાયો

૪.૬૪ લાખની ચોરાઉ ટાઇલ્સ તેમજ ૫ લાખનો ટ્રક, એક્ટિવા, મોબાઈલ કબ્જે : ચોરાઉ ટાઇલ્સ વેચવામાં ભૂલ કરી બેસતા આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો.

મોરબીના જાબુંડિયા ગામની સીમમાં આવેલ સિરામીક ફેકટરીના ગોડાઉનને નિશાન બનાવી આઇસર અને મોટર સાયકલમાં આવેલ ગઠિયા રૂપિયા ૪.૬૪ લાખની કિંમતની સ્લેબ ટાઇલ્સની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યા બાદ આજે પોલીસે આ બનાવનો ભેદ ઉકેલી અગાઉ આ જ સીરામીક કંપનીમાં કામ કરતા શ્રમિકને ૪.૬૪ લાખની ચોરાઉ ટાઇલ્સ તેમજ ૫ લાખનો ટ્રક, એક્ટિવા, મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. જો કે ચોરાઉ ટાઇલ્સ વેચવામાં ભૂલ કરી બેસતા આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

મોરબીના ઘૂંટુ ગામે બસ સ્ટેશન સામે છોટે સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ અશોકભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ચાલક તથા મોટર સાયકલ ચાલક ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૭ના રાત્રીના સાડા દસેક વાગ્યાથી તા.૨૮ના રાતના આશરે દોઢેક વાગ્યા દરમ્યાન તેમના જાંબુડિયા ગામ નજીક આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનમાથી રૂપિયા ૪.૬૪ લાખની કિંમતની ૪૭૬ પેટી ટાઇલ્સની ગઠિયો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
ટાઇલ્સની ચોરીની ફરિયાદ બાદ સઘન તપાસ ચલાવીને આ બનાવના મૂળ સુધી પહોંચી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ સહિતના સ્ટાફે આરોપી નાથાભાઈ ઉર્ફે યુવરાજ બહાદુરભાઈ થરેસા (ઉ.૨૫, રહે ખોડિયાર સોસાયટી ઇન્દિરાનગર-મોરબી)ને મહેન્દ્રનગર નજીક સમર્પણ હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. તેની પાસેથી સ્થળ પર જ ૨૬ પેટી અને ઘુંટુ પાસે ખુલ્લા પ્લોટમાંથી ૨૫૦ પેટી એમ કુલ ૪૭૬ પેટી કિંમત રૂ. ૪.૬૪ લાખ, પાંચ લાખનો ટ્રક, એક્ટિવા બાઈક, મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપી અગાઉ આ જ કારખાનામાં કામ કરતો હતો અને ચોરી કર્યા બાદ માલ વેચવા જતા ભૂલ થઈ જતા પોલીસના હાથમાં ઝડપાઇ ગયો હતો.

(1:12 am IST)