Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબીમા RTPCR રિપોર્ટના અતિરેકથી વેપારીઓમાં નારાજગી : આજે પોલીસે 10 વેપારીઓ વિરુદ્ધ કરી કાર્યવાહી : જાહેરનામા ભંગમાં પણ અનેક દંડાયા

મોરબી : મોરબી જિલ્લામાં આરટીપીસાર રિપોર્ટ વગર વ્યાપાર ધંધો નહિ કરવાના અતિરેક સામે વેપારીઓમાં ભારોભાર નારાજગી વચ્ચે પણ પોલીસની કાર્યવાહીએ રફતાર પકડી છે. જેમાં આરટીપીસાર રિપોર્ટ વગર ધંધો કરતા 10 ધંધાર્થીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા. આ 10 ધંધાર્થીઓમાં વેપારીઓ અને રીક્ષા ચાલકોનો સમાવેશ થાય છે.
મોરબી જિલ્લામાં વ્યાપારીઓ માટે દર દસ દિવસે આરટીપીસીઆર રિપોર્ટનો નિયમ કડક પણે અમલ કરાવાય રહ્યો છે. બીજી તરફ આરટીપીસીઆર રિપોર્ટ માટે મોરબી શહેર તો ઠીક તાલુકા કક્ષાએ કોઈ નક્કર વ્યવસ્થા ન હોય મોરબી વેપારી મહાજન સંગઠન પ્રમુખ દિનેશ કાગડાએ સરકારી તંત્રની રીતિનીતિ સામે રોષ વ્યકત કર્યો છે. એ જ રીતે ચેમ્બર પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પણ આરટીપીસીઆર રિપોર્ટ માટે વેપારીઓને સહકાર આપવાનું જણાવી દુકાન સીલ કરવાના અને દંડનીય કાર્યવાહી સામે વિરોધ પ્રગટ કર્યો હતો.
બીજી તરફ, મોરબી જિલ્લામાં શનિવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના અલગ અલગ જાહેરનામા ભંગ બદલ કુલ 34 સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી શહેરમાં રાત્રી કફર્યુ ભંગ કરતા રીક્ષા, બાઈક ચાલકો સહિત 8 લોકો, માસ્ક વગર નીકળેલા અને વેપાર કરતા શાકભાજીની લારી સહિત 3 લોકો, આરટીપીસીઆર રિપોર્ટ વગર વેપાર કરતા શંકર દાબેલીની દુકાન, દિલખુશ ભેળની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક ઇકો કાર, 7 રીક્ષા ચાલકો, વાંકાનેરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા નવયુગ સિલ્ક પેલેસની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષા ચાલકો, જાહેરમાં માસ્ક વગર નીકળેલા 2, માળીયા (મી) માં આરટીપીસીઆર રિપોર્ટ વગર વેપાર કરતા નાસ્તાની લારી, પાન-માવાની દુકાનના માલિક, ટંકારામાં કોરોના ટેસ્ટ તેમજ વેકસીન લીધા વગર રીક્ષાનો ધંધો કરતા 3 રીક્ષા ચાલકો, હળવદમાં કોરોના ટેસ્ટ તેમજ વેકસીન લીધા વગર રીક્ષાનો ધંધો કરતા બે રિક્ષા ચાલકો તેમજ એક ખાણી-પીણીની દુકાનના માલિક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(6:52 pm IST)