Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સલાયાનું નવુ નકોર વહાણ દરિયામાં ભસ્‍મીભુતઃ ૨૦ ખલાસીઓનો બચાવ થતા રાહત

 (કૌશલ સવજાણી દ્વારા)  ખંભાળિયા,તા.૬ : તાલુકાના સલાયા ગામે રહેતા સલીમભાઈ ઈસ્‍માઇલ ભાયાની માલિકીનું અને તાજેતરમાં જ નવું નકોર બનાવીને દરિયામાં મુકવામાં આવેલું ૧૨૦૦ ટનની કેપેસિટી ધરાવતું બી.ડી.આઈ. ૧૪૯૬ રજીસ્‍ટ્રેશન નંબર ધરાવતું ‘‘અલ ખજર'' વહાણ ગત તારીખ છઠ્ઠી મે ના રોજ સલાયાથી દુબઈ ગયું હતું. સલાયાથી માલસામાન ભર્યા વગર નીકળેલું આ વહાણ ગત તારીખ ૩૧ મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો સપ્‍લાય સાથે યમન જવા માટે નીકળ્‍યું હતું. આ વહાણ યમન પહોંચે તે પહેલા શનિવારે રાત્રીના આશરે દોઢેક વાગ્‍યે ઓમાન નજીક મસ્‍કત પોર્ટથી ઘોડે આગળ કોઈ કારણોસર આગમાં લપેટાઈ ગયું હતું. વહાણમાં આગ લાગતાં આ વહાણમાં સવાર ખલાસીઓ તેમની સાથે જઈ રહેલા અન્‍ય એક ‘‘મહેબુબ મોયુદ્દીન''નામના વહાણ મારફતે સલામત રોતે નીકળી જવામાં સફળ થયા હતા. આ તમામ ખલાસીઓને આ બોટ મારફતે મસ્‍કત લઈ જવા માટે રવાના કરવામાં આવ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાની બોટ મહેબૂબ મોયુદ્દીન તથા અન્‍ય કેટલાક માલવાહક જહાજ દુબઈથી યમન જવા માટે સાથે નીકળ્‍યા હતા. આમ, સલાયાની મહેબૂબ મયુદ્દીન વીસ ખલાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોઈ કારણોસર વહાણમાં લાગેલી આ આગના કારણે આશરે રૂપિયા પાંચથી સાત કરોડ જેટલી કિંમત ધરાવતું ‘‘અલ ખજર'' વહાણ તેમજ આ વહાણમાં રહેલો તમામ કિંમતી માલ-સામાન નષ્ટ થઈ ગયો હતો. આ વહાણના ખલાસીઓ મસ્‍કત પહોંચ્‍યા બાદ સલામત રીતે હવાઈ માર્ગે અથવા દરિયાઈ માર્ગે થઈને સલાયા પરત આવી જશે. વહાણના ખલાસીઓ સલામત હોવાથી તેમના પરીવારજનોમાં રાહતની લાગણી જોવા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ૨૬ મે ના રોજ સલાયાનું ૨૮૨ ટનની કેપેસીટી ધરાવતું એક વહાણ દરિયામાં ગરક થઈ ગયું હતું, તેમાં સવાર તમામ છ ખલાસીઓનો પણ બચાવ થયો હતો. ત્‍યારબાદ અકસ્‍માતના આ વધુ એક બનાવે વહાણવટી વર્તુળોમાં ચિંતાની લાગણી પ્રસરાવી છે. 

(12:24 pm IST)