Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કૃષિ મંત્રી દ્વારા કેશોદ પાલિકાનાં વિકાસકામોનું જાત નિરીક્ષણ

નિર્માણાધીન ટાઉનહોલ અને સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાનના બાંધકામની કામગીરી

 જૂનાગઢ, તા.૬ :  કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે કેશોદ નગરપાલિકાના વિકાસના કામોનું સ્‍થળ પર નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીશ્રીએ કેશોદ શહેરમાં રૂ.૫ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા અદ્યતન સુવિધા સાથેના ટાઉનહોલ અને કેશોદની ભાગોળે આવેલા પીપળી ધાર ખાતેના સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું સ્‍થળ પર જાત નિરીક્ષણ કર્યું હતું. આ સંદર્ભે મંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી વિકાસના કામોની જીણવટ ભરી વિગતો મેળવી, થયેલ કામગીરી અંગે સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.
 ઉલ્લેખનીય છે કે, કેશોદ નગરપાલિકાના ટાઉન હોલનું બે તબક્કામાં નિર્માણ કરવામાં આવશે. હાલમાં પ્રથમ તબક્કાની ૪૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ટાઉનહોલ ૩૬૫ લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે. જે સંપૂર્ણ વાતાનુકૂલિત અને સીસીટીવી, સાઉન્‍ડ સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. ઉપરાંત નિર્માણાધીન સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટમાંથી શુદ્ધિકરણ કરાયેલ પાણીને સિંચાઈ માટે ખેડૂતો અને બાગ-બગીચાના સંવર્ધન માટે આપવામાં આવશે.
મંત્રી  રાઘવજીભાઈ પટેલની આ મુલાકાતો દરમિયાન રાજ્‍યકક્ષાના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્‍યાસ, કારોબારી ચેરમેન   મોહનભાઈ બુટાણી, પૂર્વ ધારાસભ્‍ય  અરવિંદભાઈ લાડાણી, અગ્રણી  ગોવિંદભાઈ બારીયા, વિઠ્ઠલભાઈ ડોબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(1:37 pm IST)