Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

પાટડીના ફતેપુર ગામે તળાવમાં ડૂબી જતા કાકા - ભત્રીજાના મોત : વાલ્‍મિકી સમાજમાં શોક

વઢવાણ તા. ૬ : પાટડી તાલુકાના ફત્તેપુર ગામે વાલ્‍મિકી વાસમાં રહેતા ૨૮ વર્ષના કાકા અરવિંદ વાઘેલા અને એમનો ૧૬ વર્ષનો ભત્રીજો વિજય વાઘેલા ઘરેથી ખેતર જવા નીકળ્‍યા હતા. પરંતુ મોડી સાંજ સુધી બન્ને ખેતરેથી ઘરે પરત ન આવતા એમના પરિવારજનો એમને શોધવા ખેતર દોડી ગયા હતા. પરંતુ ત્‍યાં પણ બન્નેની કોઇ ભાળ મળી નહોંતી. પરંતુ ખેતરની બાજુમાં આવેલા સીમ તળાવ પાસે બાઇક અને બન્નેના કપડા મળી આવતા બન્ને તળાવમાં ન્‍હાવા પડ્‍યા હોવાની શંકાના આધારે પરિવારજનોએ ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. ત્‍યારબાદ ગામના તરવૈયાઓ દ્વારા સીમ તળાવમાંથી ૩થી ૪ કલાકની ભારે શોધખોળ બાદ મોડી સાંજે બન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્‍યા હતા.
ગોઝારા બનાવની પીએસઆઇ વી.પી. મલ્‍હોત્રાને થતાં ઝીંઝુવાડા પોલિસ મથકનો કાફલો ઘટના સ્‍થળે દોડી જઇ બન્ને કાકા-ભત્રીજાના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. તો બીજી બાજુ ફત્તેપુર ગામના વાલ્‍મિકી સમાજના કાકા-ભત્રીજાનું એકસાથે તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા પરીવાર પર આભ તૂટી પડતાંની સાથે જ ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

 

(10:20 am IST)