Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

હવે સૌરાષ્ટ્ર - કચ્છમાં ભાદરવે ભરપૂર વરસાદ વરસે તેવી આશા

મિશ્ર હવામાનના માહોલ સાથે ઝાપટાથી માંડીને એકાદ ઇંચ વરસી જતો વરસાદ : શ્રાવણમાં મેઘરાજા જોઇએ તેટલા ન વરસ્યા

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે કોઇ કોઇ જગ્યાએ હળવો - ભારે વરસાદ વરસી જાય છે. આવા વાતાવરણ વચ્ચે બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે ત્યારે હવે આવતીકાલથી ભાદરવા મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભાદરવો ભરપુર વરસે તેવી લોકોને આશા છે.

બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ થતાં આવતીકાલથી ત્રણ દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોર પછી રાજુલામાં એક કલાકમાં મુશળધાર એક ઇંચ વરસાદ ખાબકી જતા શહેર પાણી પાણી થઇ ગયું હતું તેમજ જામજોધપુર, જોડીયા, ખંભાળીયા, હળવદમાં પણ ૦ાા ઇંચ વરસાદ પડતા કૃષિ પાકને ભરપુર ફાયદો થયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જિલ્લાના જામજોધપુરમાં કાલે ૧ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે જોડિયામાં ઝાપટા રૂપે ૯ મી.મી. વરસાદ પડયો હતો.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહના પ્રારંભે શરૂ થયેલી મેઘવૃષ્ટી છેલ્લા બે દિવસમાં હળવી રહી હતી. જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. પરંતુ ધીમીધારે વરસેલા વરસાદથી પાક તથા પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવાર તથા રવિવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા તાલુકામાં શનિવારે ૧૧ મી.મી. અને રવિવારે ૯ મીમી વરસાદ, જયારે ભાણવડમાં બે દિવસ દરમિયાન ત્રણ-ત્રણ મિલીમીટર, કલ્યાણપુરમાં શનિવારે ૧૧ મિલીમીટર અને દ્વારકામાં શનિવારે ૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે. બે દિવસ દરમિયાન ખંભાળિયામાં ૨૦, કલ્યાણપુરમાં ૧૧, તથા ભાણવડ અને દ્વારકામાં છ- છ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ અનુક્રમે ૫૫૦, ૫૯૮, ૩૫૬ અને ૩૦૭ મિલીમીટર નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૪.૨૨ ટકા થયો છે. ગઈકાલે દિવસ દરમિયાન સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા અને વાતાવરણમાં નોંધપાત્ર ટાઢક પ્રસરી હતી. જો કે રાજયમાં જળસોતોની દ્રષ્ટિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછું જળરાશિ સંગ્રહિત છે. જે ચિંતાની બાબત પણ ગણી શકાય, જિલ્લામાં પાકનું ચિત્ર હવે સુધર્યું છે. પરંતુ જિલ્લાના મોટાભાગના ડેમ હાલ તળિયા ઝાટક પરિસ્થિતિમાં છે

(1:13 pm IST)