Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટી ખેડૂતોને નડી ગઇ : મગફળીનો વિઘે માંડ ૩૦ ટકા ઉતારો : કપાસમાં ઇયળોનું આક્રમણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૬: ખેતીપ્રધાન અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ સૌથી વધુ ધરતીપુત્રોને નડી ગઇ છે. મગફળીના પાકમાં માંડ ૨૫થી ૩૦ ટકા ઉતારો આવ્યો છે અને ખેડૂતોને બી બમણા જેવુ થયુ છે તેને કોઇ કમાણી થઇ નથી પણ કપાસ વાવનારા ખેડૂતોની હાલત શિંગ વાવનાર ખેડૂત કરતા પણ ખરાબ થઇ છે. કપાસના પાકમાં દર વખતની જેમ ગુલાબી ઇયળોનું આક્રમણ થયું છે.

જે જમીનમાં વીઘે ૨૦ થી ૩૦ મણ સુધી ઉતારો આવતો હતો તેવા વાડી ખેતરોમાં કપાસની પહેલી વીણીમાં માંડ એક મણ કપાસ ઉતરી રહ્યા છે. જ્યારે એક વીઘાનો ખર્ચો દસ હજાર જેવો થતો હોય છે. કારણે કે કપાસમાં ખાતર, દવા, બિયારણ, મજુરી ચડી જતી હોય છે. સરવાળે એક વીઘો ખેડૂતના દસ હજાર ખાઇ જાય છે. જેની સામે ખેડૂતને અડધા પૈસા પણ મળતા નથી ધારીના મીઠાપુરથી શ્રી જયેશભાઇ પેથાણીએ જણાવ્યું છે અહીં અને દલખાણીયા, પાણીયા, કોટડા, સેમરડી, બોરડી જેવા વિસ્તારોમાં તો જીંડવા પુષ્કળ આવ્યા પણ અંદર કપાસને બદલે ઇયળો દેખાતા જેને પાણીની સગવડતા છે તેવા ખેડૂતોને બીજા પાક માટે કપાસને કાઢવાનું શરૂ કરી દીધું છે.

સવારકુંડલા પંથકનાવંડા વિસ્તારમાં પણ ગુલાબી ઇયળે દેખા દીધી હોવાનું વંડા વિસ્તારના વડીલશ્રી મનજીબાપા તળાવીયાએ જણાવ્યું છે. અને તેના કારણે જ્યાં સારામાં સારો ઉતારો દસ મણ સુધીનો આવ્યો છે. તો નજીકના મેવાસા જેવા ગામડાઓમાં ખેડૂતોએ કપાસ કાઢવાનું શરૂ કરી દીધુ છે. જિલ્લાના મોટાભાગના સ્થળોમાં આ સ્થિતી ઉભી થતા કપાસની બીજી વીણીની રાહ જોયા વયર ઇયળો જોઇએ ખેડૂતો કપાસ કાઢી રહ્યા છે.

(12:51 pm IST)