Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વડિયા તાલુકામાં ૩૯ ગ્રામપંચાયતની ચૂંટણીમાંથી ૨ બિન હરીફ, ૩૭ સરપંચ માટે ૧૩૧ મુરતીયા મેદાનમાં...

ભાજપના ગઢ સમા વડિયામાં ત્રણ પેનલ વચ્ચે ટક્કર, સરપંચ માટે ૬મુરતીયા મેદાનમાં : ચૂંટણી ગ્રામપંચાયતનીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય : ગામડાના રાજકારણમાં ગરમાવો

 (ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા,તા.૬ : સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામપંચાયતની સરપંચ અને સભ્યોની ચૂંટણીની જાહેરાત બાદ  ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે વડિયા તાલુકામાં કુલ ૩૯ગ્રામપંચાયતની ચૂંટણી માંથી ૨ ગ્રામપંચાયતમાં સિંગલ ફોર્મ ભરાતા તે બિન હરીફ જાહેર થઇ છે. જેમાં વડિયાના ખાખરીયા અને અનિડા ગામો બિન હરીફ જાહેર કરાયા છે. જયારે અન્ય  ૩૭ ગ્રામપંચાયતમાં કુલ ૧૩૧ ઉમેદવારો સરપંચ બનવા માટે ચૂંટણી મેદાનમાં જમ્પલાવ્યુ છે. તો સમગ્ર તાલુકાના  ગ્રામપંચાયત ના વોર્ડ માટે ૭૧૨  ઉમેદવારો વોર્ડમાં  પોતાની દાવેદારી નોંધાવી છે. વડિયા કુંકાવાવ તાલુકાની સૌથી મોટી બંને ગ્રામપંચાયતો વડિયા અને કુંકાવાવ બંનેમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપ નો ગઢ ગણાતા વડિયા માં ત્રણ પેનલો મેદાનમાં આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. ત્રણ પેનલ સાથે અપક્ષ સરપંચ ઉમેદવારો ની ટક્કર થવાની સંભવના છે ત્યારે હાલ અંતિમ દિવસે વડિયા ગ્રામપંચાયત માટે ૬ સરપંચના ઉમેદવારો અને ૧૪ વોર્ડ માટે ૪૮ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપના ગઢને વેર વિખેર કરવા માટે અન્ય પાર્ટીઓની મુરાદ કેટલે અંશે સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે પણ હાલ વડિયાના તાલુકાના મુખ્ય મથકમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે તો બીજી બાજુ  ઉમેદવારી નોંધાવવામાં અંતિમ દિવસે ઉમેદવારો રાફડો ફાટતા સવારથી જ વડિયા મામલતદાર કચેરી ખાતે વાહનોની કતારો સાથે ચૂંટણી લાડવા ઉત્સુક મુરતીયાની ભારે ભીડ જોવા મળી હતી.

(11:46 am IST)