Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમરેલી જિલ્લામાં તા.૨૧ ડિસેમ્બર સુધી સભા-સરઘસ હથિયારબંધી

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

અમરેલી :અમરેલી જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, આગામી તા.૦૭ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, બંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની, વ્યક્તિઓના પૂતળા દેખાડવાની કે છટાદાર ભાષણ આપવા સહિતના કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના કોઈ સભા, મંડળી ભરવાની કે સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફરજ પર હોય તેવા પોલીસ તથા હોમગાર્ડ સહિતના ફરજ પર હોય તેવા સરકારી તેમજ અર્ધસરકારી અધિકારીઓ-કર્મચારીઓસ્મશાન યાત્રા, વરઘોડા ઉપરાંત શારીરિક અશક્તિના કારણે લાકડી લઈને ફરવું જરૂરી છે તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ની જોગવાઈ મુજબ સજા તથા દંડને પાત્ર થશે.

(12:50 am IST)