Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ભાવનગર હેમાણી પરિવારના રસીકલાલ હેમાણીનું દેહદાન

ભાવનગર તા. ૭: રેડક્રોસની અનેકવિધ સેવાકીય પ્રવૃતિમાં તેમજ ચક્ષુદાન અને દેહદાન વિભાગમાં અવીરત સ્વ. રસીકલાલ હેમાણી પરિવારનો સહયોગ રહ્યો છે. રેડક્રોસ ભવન ભાવનગર ખાતે ઘણા વર્ષોથી ખાસ પન્નાબેન રસીકલાલ હેમાણી ચક્ષુદાન-દેહદાન વિભાગ ચલાવવામાં આવે છે. આ વિભાગ જેના નામ હેઠળ ચાલે એ જ પરિવારના સ્વ. રસીકલાલ હેમાણીનું તારીખ ૬-૧-ર૦ર૧ના રોજ દુઃખદ અવસાન થતા તેમની અને તેમના પરિવારની ઇચ્છા અનુસાર તેઓએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાને દેહદાન કરી આપેલ છે અને ભાવનગર રેડક્રોસ દ્વારા તેમના દેહને તબીબીક્ષેત્રે અભ્યાસ માટે માન અને સન્માન સાથે સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ને મોકલી આપેલ છે.

સ્વ. રસીકલાલ હેમાણી જેઓ ખુબજ સાદુ અને સરળ જીવન જીવનાર અને ભાવનગર રેડક્રોસ સહિત અનેક સામાજીક અને આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, વિનય વિહાર કેળવણી મંડળ વાળુકડ, તાપીબાઇ વીકાસગૃહ, કલાક્ષેત્ર ભાવનગર, શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર, શ્રી આર. ડી. જી. સ્ત્રી કેળવણી મંદિર, સ્વદિપ વિકાસ સંસ્થા દિલ્હી, ચરોતર આરોગ્ય મંડળ, જગદીપ વિરાણી ફાઉન્ડેશન, કે.ઇ.ટી.એસ. સાયન્ટીફીક રીસર્ચ સેન્ટર મુંબઇ, આઇ.ટી.આઇ. મુંબઇ, શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, સેવાભાવી દિલ્હી, શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન, ઘરશાળા સંસ્થા, ભાવનગર મહિલા સંઘ, આનંદવાટીકા ભગીની મંડળ, શ્રી ગ્રામ સ્વરાજ સંઘ કચ્છ, મોંઘીબહેન જલવિહાર ટ્રસ્ટ, ચિંચણીતારાપુર એજયુકેશન સોસાયટી મહારાષ્ટ્ર, પી.અને આર. સોસાયટી, બહેરામુંગા સ્કૂલ, ધરમપાલ સત્યપાલ ફાઉન્ડેશન દિલ્હી તેમજ અનેક નામી અનામી સંસ્થાઓમાં સક્રિયતાથી જોડાઇને આર્થીક અનુદાન આપી એક ખરા અર્થમાં સમાજ સેવક રહી ચૂકયા છે.

આજે આવા સમાજ સેવકના આકસ્મીક દુઃખદ અવસાનથી ભાવનગર અને સમગ્ર ગુજરાતને એક મોટી ખોટ પડી છે, તેમજ છેલ્લે પોતાના દેહનું પણ દાન કરનાર પરમ સેવાભાવી વ્યકિતને શ્રધ્ધાંજલી પાઠવવા અનેક સંસ્થાઓના પ્રતિનીધિઓ, ડોકટરશ્રીઓ તથા ભાવનગર રેડક્રોસના ડો. મિલનભાઇ દવે (ચેરમેનશ્રી), શ્રી સુમિતભાઇ ઠકકર (વાઇસ ચેરમેન), વર્ષાબેન લાલાણી (સેક્રેટરીશ્રી), શ્રી રોહિતભાઇ ભંડેરી (સહ ખજાનચી), ડો. કાર્તિકભાઇ દવે અને અન્ય કારોબરી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

(11:41 am IST)