Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠા સાથે ટાઢોડુઃ આજે પણ વાદળા

વાંકાનેર, જોડીયા, મીઠાપુર, સુરજકરાડી, કચ્છના અમુક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચો છતા કમોસમી વરસાદના કારણે ઠંડક વધીઃ શિયાળુ પાકને નુકશાન થવાની ભિતી

પ્રથમ તસ્વીરમાં જામજોધપુર અને ગોપમાં વરસેલ વરસાદ, બીજી તસ્વીરમાં મીઠાપુર, ત્રીજી તસ્વીરમાં જોડીયા ચોથી તસ્વીરમાં ગોંડલમાં માવઠાથી વરસાદી પાણી નજરે પડે છે. પાંચમી તસ્વીરમાં ગોંડલમાં સવારે વાદળ છાંયુ વાતાવરણ નજરે પડે છે. (તસ્વીરઃ દર્શન મકવાણા (જામજોધપુર દિવ્યેશ જટણીયા (મીઠાપુર) રમેશ ટાંક (જોડીયા), ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ,તા. ૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે બપોર બાદ કમોસમી વરસાદ સાથે માવઠામય માહોલ જામ્યો છે. જે આજે બીજા દિવસે પણ યથાવત છે. આજે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આજે સવારે વાંકાનેર જોડિયા, મીઠાપુર, સુરજકરાડી, કચ્છના અમુક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો છે.
આજે લઘુતમ તાપમાનનો પારો ઉંંચો છતા કમોસમી વરસાદના કારણે ઠંડક વધી છે. આજે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૧૫.૨ ડિગ્રી, રાજકોટમાં ૧૭.૭ ડિગ્રી નોંધાયુ છે. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે અને શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે.
મીઠાપુર
(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. સાથે સાથે ઠંડી પણ વધવા લાગી છે. મીઠાપુર અને સુરજકરાડી તથા આજુબાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો હોવાથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી પાણી થઇ ગયા છે એક તરફ કોરોના માથું ઉંચકી રહ્યો છે અને બીજી બાજુ આ કમોસમી વરસાદ અને વધુ પડતી ઠંડી એ જનજીવનને ભારે પ્રભાવિત કરી દીધુ છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્છના અંજાર સહિતના વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે વાદળીયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
જોડિયા
(રમેશ ટાંક દ્વારા) જોડિયાઃ ગઇ કાલે સાંજથી આજ સવારે પણ વરસાદી માહોલ વચ્ચે ઝરમરિયો વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ ભીના થયા કપાસ, જીરા, ચણા, રાયડો વગેર પાકો માટે ખેડૂતોની ચિંતા વધારી છે. સમગ્ર પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળેલ છે.
જામજોધપુર
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ હવામાન વિભાગની આગાહી મુજબ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે કાલે  અડધો ઇંચ વરસાદ પડ્યો હતો અને  જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યા  હતા. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. અને જામજોધપુરમાં પણ છાંટા પડ્યા હતા.
જામજોધપુર શહેરમાં પણ સાંજે છ વાગ્યાથી મોડી રાત સુધી ધીમી ધારે વરસાદી છાંટા પડ્યા હતા જામજોધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ સાથે વરસાદના છાંટા ચાલુ થયા હતા.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલમાં દિવસભર વાદળછાયું વાતાવરણ  રહ્યા બાદ રાત્રીના નવ કલાકે મોટા છાંટા સાથે હળવો વરસાદ વરસતા રાજમાર્ગો ભીના થયા હતા. ભરશિયાળે વરસાદ વરસતા ડબલ ઙ્ગતુના માહોલ વચ્ચે રોગચાળાની ભીતી સર્જાઇ છે.
વાંકાનેર
(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેરઃ વાંકાનેરમાં સવારે ૫ વાગ્યાથી છાંટા આવેલ અત્યારે લખાય છે. ત્યારે સવારે ૯:૩૦ વાગ્યે પણ ધીમી ધીમી ધારે છાંટા આવી રહ્યા છે. આવી ઠંડીમાં છાંટા પણ સવારે અત્યારે છાંટા આવવાથી માણસો બીમારી પડે અને ખેતીમાં નુકશાન થાય છે.

 

(11:24 am IST)