Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કચ્છમાં આવેલ સંત ત્રિકમદાસજી ગાદી સંસ્થાનનું ત્રણ કરોડના ખર્ચે થનાર પુનઃ નિર્માણના કાર્યનું ભૂમિપૂજન

સાંસદો ડો. કિરીટસિંહ સોલંકી અને વિનોદ ચાવડાની સફળ રજૂઆત, વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં કચ્છમાં ભૂમિપૂજન, આ ઉપરાંત ગોંડલના ઘોઘાવદરમાં સંત દાસી જીવણ, વિસાવદરના સરસવ ગામે સંત રોહીદાસ સહિતના અન્ય ધાર્મિક સ્થળોએ વિકાસ કાર્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રાપર તાલુકાના ચિત્રોડ ગામને અમદાવાદના સાંસદશ્રી ડો.કિરીટભાઇ સોલંકીએ દત્તક લેતાં રૂ.૨.૧૪ કરોડના વિવિધ ૧૨ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા. જે પૈકી ગામમાં અનુસૂચિત જાતિવાસમાં રૂ.૩ લાખના ખર્ચે બનેલ પેવરબ્લોકનું લોકાર્પણ કરાયું હતું તેમજ અન્ય કામોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા.

સંત ત્રિકમદાસજી મહારાજની કર્મભૂમિ એવા ગુરૂગાદી ગામમાં સાંસદશ્રી ડો.કિરીટભાઇ સોલંકી અને શ્રી વિનોદભાઇ ચાવડાની રજુઆતના પગલે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંજુર થયેલ રૂ.૨.૯૭ કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામનાર ત્રિકમદાસજી ગાદી સંસ્થાન પ્રવાસન વિકાસનો આ તકે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે શિલાન્યાસ કર્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે “સંત ત્રિકમસાહેબની પવિત્ર તપોભૂમિમાં સંતોના ચરણોમાં વંદન કરતાં જણાવ્યું હતું કે, લોકોની લાગણી અને શ્રધ્ધા સાથે જોડાયેલા ધર્મસ્થાનોના વિકાસ અને સુવિધા, સગવડ માટે સરકાર સક્રિય છે. ભકતો, શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે સરકાર વિવિધ યાત્રાધામોનો વિકાસ કરી રહી છે. આ શ્રધ્ધાના યાત્રાધામો પ્રવાસન તરીકે પણ વિકસી રહયા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રૂ.૧૪ હજાર કરોડના ખર્ચે ચારધામના માર્ગોનો વિકાસ કર્યો છે. દલિત સમાજ માટે વિશેષ પ્રેમ રાખનારા નરેન્દ્રભાઇ મોદીએ સંતોને પણ વિશેષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનશ્રીએ દિલ્હીમાં રૂ.૫૦૦ કરોડના ખર્ચે ડો.આંબેડકર મેમોરિયલ બનાવી ડો.બાબા સાહેબ આંબેડકર પ્રત્યેનો તેમનો ભાવ વ્યકત કર્યો છે. ત્યારે સાંસદશ્રી વિનોદભાઇ અને ડો.કિરીટભાઇ સોલંકી પણ સાથે મળી કચ્છના વિકાસમાં વિશેષ યોગદાન આપી રહયા છે તે પ્રશંસનીય છે.

માર્ગ મકાન અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આ તકે વર્ચ્યુઅલી જણાવ્યું હતું કે, “વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરનાર કચ્છનો ભૂકંપ બાદ સર્વાંગીણ વિકાસ થયો છે. ભારતીયોની ધર્મનિષ્ઠા અદભૂત છે. સરકાર ત્રિકમજી સાહેબની આસ્થા અને લાગણી સાથે જોડાયેલા ભાવિકો, દલિતો સાથે છે. લોક લાગણીઓને વાચા આપવા સમરસતાને વરેલાં આપણા સૌ માટે દેવસ્થાનોમાં સુવિધા કરવા સરકાર સદા તત્પર છે. આપણે સૌ એક થઇ ભારતની શ્રધ્ધાના અનેક બિંદુઓને એક કરી ધર્મ ઉજાગર કરીએ.

ચિત્રોડ ગામને દત્તક લેનારા સાંસદશ્રી ડો.કિરીટભાઇ સોલંકીએ આ તકે જણાવ્યું હતું, “ ગ્રામ વિકાસ માટે સરકાર ગ્રામજનોની પડખે ઉભી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાંસદથી લઇ અધિકારી સુધી ગામને દત્તક લઇ ગ્રામ વિકાસનું સ્વપ્ન જોયું છે. જેના પગલે ગામને આદર્શ ગ્રામ બનાવી તેનો વિકાસ કરી પ્રાથમિક સુવિધાઓ અને યોજનાઓનો લાભ આપી પ્રજાને ઉન્નત કરીએ.

દલિત સંત પરંપરાના ગામોનો વિકાસ કરી આપણા ધાર્મિક સંસ્થાનોનો વિકાસ કરી ધાર્મિક ઉર્જા સાથે શિક્ષણને પણ વેગ આપીએ. આ તકે તેમણે સૌને જણાવ્યું હતું કે, સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તેમણે પાંચ ગામોને દત્તક લીધા છે.

જેમાં રનોડા ખાતે રૂ.૩ કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર વિશ્વ મેમોરિયલ રીસર્ચ સેન્ટર, કેસરડી ગામ જયાં દલિત પરંપરાના જોઘલપીર સ્થાનિક વિકાસ માટે રૂ.૧૦ કરોડ અને ગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સંત દાસીજીવણના ગાદીવિકાસ માટે રૂ.૫ કરોડ તેમજ વિસાવદર તાલુકાના સરસવ ગામે સંત રોહિદાસના ગામના વિકાસ કામો મંજુર કર્યા છે.

ચિત્રોડ, રનોડા, કેસરડી, ઘોઘાવદર અને સરસવ ગામોને “આદર્શ સાંસદ ગામ” તરીકે વિકાસ સાથે દલિતોના આસ્થાસ્થાનોનો પણ વિકાસ કરવામાં આવશે. શ્રેષ્ઠ ગામની વિકાસ યાદીમાં આ ગામ આવે તે માટે વિશ્વાસ આપું છું. ગામ વિકાસ માટે સરકાર ગ્રામજનોની પડખે ઉભી છે જેમાં અમે કડીરૂપ છીએ.

કચ્છ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પણ વર્ચ્યુઅલી આ તકે જણાવ્યું હતું કે, દત્તક લેવાતા ગામ વિકાસ કરીને મોડલરૂપ બની અન્ય ગામોને પ્રેરણારૂપ બને. અમારું ગુરૂગાદી ગામ ચિત્રોડમાં સાંસદ આદર્શ ગ્રામ તરીકે વિકસે તેમજ સરકારે ગુરૂગામ ગાદી સંસ્થાના વિકાસ માટે રૂ.૩ કરોડની ફાળવણી કરી છે તેના માટે દલિતો વતી સરકારનો આભાર પ્રગટ કરું છું અને ડો.નીમાબેન આચાર્યની જેમ આપણે સૌ સહિયારા પ્રયત્નો કરી કચ્છના વિકાસને વધારીએ.

આ તકે અગ્રણી વિજયભાઇ ચક્રવર્તીએ સરકારના વિકાસ કામો અને કચ્છનો મહિમા રજૂ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણી સર્વશ્રી નાનુબેન કડીલા, જીતુભાઇ દાફડા, અંબાવી પટેલ, બાબુ સોલંકી, રાપર નગરપાલિકા પ્રમુખશ્રી વાલજીભાઇ વાવીયા, સરપંચ જવીબેન વેલજીભાઇ ખોડ, લખમણભાઇ ખોડ, રામજીભાઇ સોલંકી, મનજીભાઇ પટ્ટણી, નાયબ પશુપાલન અધિકારીશ્રી બ્રહમભટ્ટ, વીરમ રબારી, ખોડાભાઇ આહિર, કલેકટરશ્રી પવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ, પ્રાંત અધિકારીશ્રી પી.એ.જાડેજા, ટીડીઓશ્રી કે.વી.મોઢેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, મામલતદાર કેતનભાઇ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.એમ.રબારી, જિલ્લા આયોજન અધિકારીશ્રી ચાવડા તેમજ રાપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અગ્રણી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(9:45 am IST)