Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કચ્છના નાગલપર ગામે ધૂતારી 'માતામા' ૪૦ લાખની રોકડ અને ૧૪ તોલા સોનાના દાગીના ધૂતી છૂ !!

વધુ વ્યાજની લાલચમાં ૧૯ મહિલાઓ ફસાઇ : પરિવાર સમેત ગુમ થતાં પોલીસ ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : 'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી' અને 'લાલચ બુરી બલા છે' આ બન્ને કહેવતો લોકોને લાલચ સામે જાગૃત કરે છે. પણ, તેમ છતાંયે ભણેલા હોય કે અભણ, શહેરીજનો હોય કે ગામડાના રહેવાસીઓ હોય કયાંક ને કયાંક લાલચમાં ફસાઈ જાય છે અને મહા મહેનતે કમાવેલ પોતાની મૂડી ખોઈ નાખે છે. ઓન લાઈન અને રૂબરૂ ચિટિંગના બનાવો અવારનવાર છાપામાં આવે છે પણ તેમ છતાંયે લોકો ઠગાઇનો ભોગ બનતા રહે છે.

કચ્છના અંજાર તાલુકાના નાગલપર ગામે ૧૯ વ્યકિતઓ પાસેથી રોકડા અને દાગીના ઉઘરાવી પરિવાર રાતો રાત સામાન ભરીને રફુચક્કર થઈ જતાં ભોગ બનનારાઓને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે ગામમાં રહેતા દિપ્તીબેન અમીતભાઈ ગોસ્વામીએ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના કૌંટૂબીક ફઈબા ઉર્મિલાબેન ઉર્ફે 'માતામા' ગોવિંદગિરિ ગોસ્વામી અને તેમની દિકરી રિન્કુબેન ગત તા. ૨૮-૬ના ફરિયાદીના ઘરે આવ્યા અને દિપ્તીબેનને કહ્યું કે, મારી પાસે સારી સ્કીમ છે. તેમાં રોકાણ કરશો તો સારૃં વ્યાજ મળશે, જેથી ફરિયાદીએ ૫૦ હજાર રૂપિયા આપતા છ મહિને ૬૦ હજાર પરત આપવાનું વચન અપાયું હતું. બાદમાં ૮મી જુલાઈના ફરી ઉર્મિલાબેન દિપ્તીના ઘરે આવ્યા અને કહ્યું કે, હજુ વધુ રૂપિયા હોય તો સ્કીમમાં રોકાણ કર તને વધારે રૂપિયા મળશે, અને પાના ઉપર લખાણ પણ કરી આપીશ. જેથી ફરિયાદીને લાલચ જાગતા ૨ લાખ રૂપિયા આપ્યા હતા. અને સ્ટેમ્પ પેપરમાં અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હોવાનું લખાણ કરાયું હતું. ૨ લાખ રૂપિયાનું છ મહિને ૪૦ હજાર રૂપિયા વ્યાજ મળશે તેવી બાંહેધરી અપાઈ હતી. આ બાદ પણ ઉર્મિલાબેને કહ્યું કે, હજુ પણ તારી પાસે રૂપિયા હોય તો આપજે પણ ફરિયાદી પાસે રૂપિયા ન હોવાથી દાગીના ફાયનાન્સમાં મુકીને તેના પર લોન લેવામાં આવી હતી.

અંજારમાં નૂતન ફાયનાન્સની ઓફિસમાં ત્રણ તોલા દાગીના ગીરવે મુકી અઢી તોલાની લોન ઉર્મિલાબેનના નામે કરાવાઈ હતી. અને આ લોનના ૯૫ હજાર રૂપિયા આવ્યા તે પણ સ્કીમમાં રોકયા હતા.આ વાતને છ મહિના વીતી ગયા, જેથી ૩૦મી ડિસેમ્બરના ફરિયાદી દિપ્તીએ ઉર્મિલાબેનને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેઓ તેમના ઘરે જતાં ઘર ખુલ્લુ જણાઈ આવ્યું હતું. તેમજ ઘરમાં કોઈ સામાન પણ હતો નહીં, જેથી બાજુમાં પુછતાછ કરતાં ગત રાતના જ ટેમ્પોમાં સામાન ભરીને આ પરિવાર રફુચક્કર થઈ ગયાનું જાણવા મળ્યું હતું.

દિપ્તીબેન તો ઠગાઈનો ભોગ બન્યા પરંતુ ગામમાં અન્ય લોકોને પુછતાછ કરતા આ પ્રકરણમાં નવો ફણગો ફુટયો હતો. કારણ કે ઉર્મિલાબેને સ્કીમના નામે મહિલાઓને ઝાંસામાં લઈ તેમની પાસેથી રોકડા અને દાગીના ઉસેડ્યા હતા. ગામમાં અલગ અલગ ૧૮ મહિલા – પુરૂષો પાસેથી કુલ રૂપિયા ૪૦.૬૬ લાખ રોકડા અને ૧૪ તોલા સોનું આરોપીઓએ મેળવી વિશ્વાસઘાતને અંજામ આપ્યો હતો. ફરિયાદીએ ઉર્મિલાબેનની દિકરી રિન્કુ કે જે આધોઈમાં રહે છે, તેને ફોન કરતાં તેણે માતા- પિતા અને ભાઈઓનો સંપર્ક કરી બધા જ રૂપિયા પાછા અપાવી દઈશ તેવું કહ્યું હતું. પરંતુ રૂપિયા ન મળતાં આરોપીઓ સામે આખરે પોલીસ ફરિયાદ નોધાઈ હતી.

(10:10 am IST)