Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કચ્છમાં ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયેલા રાજકોટના સરકારી ઓડિટરને ૪ વર્ષની જેલની સજા

દૂધ મંડળીના લાંચ કેસમાં ભુજ કોર્ટે ઓડિટર એસ.જે.હાલારીને ચાર વર્ષની કેદ ફટકારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : સરકારી ફરજ દરમ્યાન નાગરિકો પાસેથી લાંચ લઈને ભ્રષ્ટાચાર આચરતાં ભ્રષ્ટ સરકારી કર્મીઓ સામે નાગરિકો જાગૃતિ દર્શાવી ફરિયાદ કરે તો ચોક્કસ અસરકારક પરિણામ આવે છે. કચ્છમાં ઓડિટ માટે લાંચ માંગનાર સરકારી ઓડિટરને ૪ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ ભુજ કોર્ટે કર્યો છે.

આ કેસની વધુ વિગત મુજબ ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વાર્ષિક ઓડિટ કરી આપવા માટે લાંચ માંગ હતી. જેમાં કરાર આધારીત મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી હાઉસીગ તરીકે રાજકોટમાં ફરજ બજાવતાં અને ભુજમાં સ્પેશીયલ ઓડિટર તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળતા શૌકતહુસેન જેમલભાઈ હાલારીએ મંડળીના પ્રમુખ પાસેથી મંડળીના વર્ષ ૧૭-૧૮ ઓડિટ કરવા માટે રૂપિયા ૩૦ હજારની માંગણી કરી હતી. જે ફરિયાદીની ફરિયાદ આધારે તા. ૨૨-૧૨-૨૦૧૭ના રોજ છટકુ ગોઠવીને લાંચ લેનાર આરોપી સહકારી મંડળી ના ઓડિટર ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આરોપી વિરૂદ્ઘ ભુજ એસસીબી પોલીસ સ્ટેશન પીસીએકટની કલમ મુજબ ગુનો નોંધાયો હતો.

આ કેસ ભુજના ચોથા અધિક સેશન્સ જજ સી.એમ. પવારની કોર્ટ સમક્ષ ચાલી જતાં જેમાં સરકાર પક્ષે છ સાક્ષી અને ૬૪ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સરકાર તરફેની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી શૌકતહુસેન જેમલ હાલારી વિરૂદ્ઘ ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ ૭ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૧૦ હજારનો દંડ કરાયો છે. અને જે દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા તેમજ અન્ય કલમ મુજબ ૪ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જેા દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે.

આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકિલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલિલો કરી હતી.

(10:10 am IST)