Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રાજકોટ બનેવીની ખબર કાઢવા આવતી વખતે ચોટીલાના પાંચવડા પાસે બનાવ

પતિના બાઇક પાછળથી પડી જતાં કમળાપુરના મમતાબેન ચાવડાનું મોત

રાજકોટ તા. ૭: ચોટીલાના પાંચવડા ગામ નજીક પતિના બાઇક પાછળથી પડી જતાં ગંભીર ઇજા થતાં જસદણના કમળાપુરના મમતાબેન જીણાભાઇ ચાવડા (ઉ.વ.૨૭)ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

કમળાપુર રહેતાં મમતાબેનના બનેવી રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયા હોઇ તે ગઇકાલે બપોરે પતિ જીણાભાઇ ચાવડા સાથે બાઇકમાં બેસી રાજકોટ બનેવીની ખબર કાઢવા આવી રહ્યા હતાં. આ વખતે પાંચવડા પાસે પહોંચ્યા ત્યારે અચાનક તેણીને ચક્કર આવતાં બાઇક પાછળથી પડી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન મોડી રાતે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી ચોટીલા જાણ કરી હતી. મૃતકના પતિ કડીયા કામની મજૂરી કરે છે. બનાવથી બે માસુમ પુત્ર મા વિહોણા થઇ ગયા છે.

(11:39 am IST)