Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પોરબંદરની પોસ્ટ ઓફિસમાં પૈસાની લેવડ-દેવડ માટે બેથી વધુ બારી ખોલવા માગણીઃ ખાતેદારો હેરાન

પોરબંદર, તા. ૭ :. પોસ્ટ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ માટે ટ્રાફીકના પ્રમાણમાં બે બારી પુરતી ન હોય વધુ બારી ખોલવા ખાતેદારોએ માંગણી કરેલ છે.

પોસ્ટ ઓફિસમાં પૈસાની લેવડ-દેવડ માટે બે જ બારી હોવાથી વધુ બે બારી પૈસાની લેવડદેવડ માટે રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ડિજીટલ ઈન્ડીયાની વાત કરતી સરકાર માટે સૌથી શરમજનક વાત તો એ છે કે ત્યાં પૈસા ગણવા માટેનું ડિજીટલ મશીન પણ ઉપલબ્ધ નથી તેવુ ખાતેદારો કહે છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્ર સરકારને આ પ્રશ્ને રજૂઆતમાં જણાવ્યુ છે કે ડિજીટલ ઈન્ડીયાના સ્વપ્ન જોતા પહેલા લોકોની પ્રાથમિક જરૂરીયાતને ધ્યાનમાં લો, ઓનલાઈન કામગીરી ન થઈ શકે તો મેન્યુઅલ કામગીરી શરૂ કરાવો ઉચ્ચકક્ષાએ જ્યાંથી પણ આ સર્વર અને ઈન્ટરનેટની સમસ્યા હોય તેનો કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગણી કરી છે.

પોસ્ટ ઓફિસનું સર્વર છેલ્લા એક અઠવાડીયાથી બંધ છે લોકો સવારે ૮ વાગ્યાથી લાઈનમાં ઉભે છે કનેકટીવીટીના અભાવે ના તો પૈસાની લેવડદેવડ થઈ શકે છે કે ના તો પાસબુકમાં એન્ટ્રી પડી શકે છે. વિધવા સહાય માટે આવતી મહિલાઓ છેલ્લા એક અઠવાડિયાથી પૈસા ઉપાડવા માટે ધક્કા ખાઈ રહી છે. વિધવા સહાય માટે જેટલા પૈસા આપવામાં આવે છે એના ૨૫ ટકા પૈસા તો તેના પોસ્ટ ઓફિસના ધક્કા ખાવામાં જતા રહે છે, તો આ સમસ્યાને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. વડાપ્રધાન ડિજીટલ ઈન્ડીયાનું સ્વપ્ન સેવી રહ્યા છે બીજી બાજુ પોરબંદરની પોસ્ટ ઓફિસનું ઈન્ટરનેટ ડચકા ખાઈ રહ્યુ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:51 pm IST)