Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

પૂ. રાજગુરૂભવંતે

તપસ્વીરાજ પૂ. ભવ્યમુનિજીને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરાવ્યું

સંથારાનો ૧૭મો અને ઉંપવાસનો ૪૭ મો દિવસ

રાજકોટ, તા. ૭: ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય ભગવંત સ્વ.પૂજય શ્રી જશાજી સ્વામીના પરિવારના સ્વ. પૂજય સ્થવીર ગુરુભગવંત શ્રી પ્રેમચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આગામ અર્કદર્શક ચારિત્રનિષ્ઠ તપસ્વીરાજ પરમ પૂજય ગુરુભવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન સ્થવીર ભગવંત પરમ પૂજય શ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર ‘પૂજય રાજગુરુભગવંતે’ અંગીકાર કરાવ્યું.
સંયમજીવન દરમ્યાન જો કોઇ મોટા દોષ લાગ્યા હોય તો આલોચના-પ્રાશ્ચિત-નિંદા-ગર્હો બાદ યથાયોગ્યતા મુજબ છેદોપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરવામાં આવે તો તેને સઅતિચાર (અતિચાર સાથેનું) છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. પરંતુ એવા કોઇ દોષ ન લગાડયા હોય અને યથાયોગ્ય સમયે છેદોપસ્થાપનીય ચારિત્ર ધારણ કરવામાં આવે તો તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે.
તપસ્વીરાજ પરમ પૂજય શ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબે અનશન ધારણ કર્યા પહેલાં આલોચના, નિંદા, ગર્હા, પ્રાશ્ચિત આદિ ‘પૂજય રાજગુરુભગવંતે’ પાસે કરી વિશેષ તપ-આરાધના તો કરેલ જ. પરંતુ પૂજય શ્રી ભવ્યમુનિજીની ભાવના એવી હતી કે, બહુશ્રુત-તપસ્વી ભગવંતે જે માર્ગે આરાધના કરી તે રીતે આરાધના મારે પણ કરવી છે. પૂ. રાજગુરુભગવંતે તા. ૬ ગુરુવારના રોજ સવારે શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ચતુર્વિઘ શ્રીસંઘની પરમ પૂજય શ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબને ફરી આલોચના, નિંદા, ગર્હા આદિ કરાવી સંપૂર્ણ શુદ્ઘિ સાથે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર ધારણ કરાવેલ.
નિરતિચાર છેદોપસ્થાનીય ચારિત્ર ધારણ કર્યા બાદ તપસ્વીરાજ પરમ પૂજય શ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબે અનંત-અનંત ઉંપકારી ‘પૂજય રાજગુરુભગવંતે’ ત્યારબાદ પરમ પૂજય શ્રી હર્ષમુનિજી મહારાજ સાહેબ, બા.બ્ર. પરમ પૂજય શ્રી રત્નેશમુનિજી મહારાજ સાહેબ, બા.બ્ર. પરમ પૂજય શ્રી તત્ત્વજ્ઞામુનિજી મહારાજ સાહેબને ક્રમશ વંદના-નમસ્કાર કરેલ તેમજ પૂજયશ્રીઓના ગુણકિર્તન અને ફરી-ફરી ક્ષમાયાચના કરેલ તથા સર્વે મહાસતીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓને પણ ક્ષમાયાચના કરેલ.
તપસ્વીરાજ મુનિભગવંતે આલોચના-નિંદા-ગર્હા કરી સંપૂર્ણ શુદ્ઘિ સાથે નિરતિચાર છેદોપસ્થાનીય ચારિત્ર ગ્રહણ કરીને તિવિહારો યાવત્ જીવન સંથારો અનંત ઉંપકારી ‘પૂજય રાજગુરુભગવંતે’ના શ્રીમુખે ગ્રહણ કરેલ.
આજે તા.૦૭ ના રોજ શુક્રવારે ૪૭મો ઉંપવાસ ને સંથારાનો ૧૭મો દિવસ. પૂજય મુનિ ભગવંત ખૂબ જ શાંતિ સમાધી અને સમતાભાવથી આરાધનામાં આગળ વધી રહ્યા છે. તપશ્ચર્યાના દીવ્ય તેજ પૂજયશ્રીના મુખ પર પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા છે.
સામાજીક, રાજકીય, અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, અધિકારીઓ દર્શન-વંદન-કૃપા દ્રષ્ટિનો લાભ લઇ રહેલ છે. પૂજયશ્રીના દર્શન-વંદનનો લાભ શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉંપાશ્રય, ૧ તિરૂપતિનગર ખાતે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને બપોરે ૩.૩૦ થી ૫ કલાક દરમ્યાન થવાની સંભાવના હોય છે. તેમ શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘના સહ પ્રમુખ પરેશભાઇ ચંદ્રકાન્તભાઇ પટેલે જણાવેલ છે.(૯.ર૦)

 

(4:15 pm IST)